હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
અત્યાર સુધી આપણે શ્રીમદ્ ભાગવત, શ્રી રામચરિત માનસ, શિવપુરાણ કથાઓનું આયોજન રાજ્યમાં વિવિધ સ્થળે થતું આવ્યું છે. ત્યારે આ વર્ષે લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલનું સાર્ધ શતાબ્દી વર્ષ છે તે નિમિત્તે 150 વર્ષ પહેલાં જન્મ લેનાર સરદાર પટેલની પ્રતિભાનો પરિચય સમગ્ર જગતને કરાવવા દેશના ઘડવૈયા એવા સરદાર પટેલની વાતો તેમના વિચારો અને કાર્યો દરેક સમાજના લોકો સુધી કથા સ્વરૂપે ખૂણે ખૂણે પહોંચે અને તેમના ગુણોને લોકો કેવી રીતે આત્મસાત કરીને જીવનમાં ઉતારે એવા ઉદ્દેશ્ય સાથે જસદણના આટકોટ રોડ પર આવેલા આર.કે. વાટીકા ખાતે તિરંગાના ત્રણ રંગને અનુસરીને ત્રણ દિવસીય તા.25 થી 27 એપ્રિલ-2025 ના રોજ દિવ્ય અને અદભુત રાષ્ટ્રકથાનુ આયોજન અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
જસદણની ત્રણ દિવસીય સરદાર કથામાં વક્તા શૈલેષભાઇ સગપરિયાએ સરદાર વલ્લભભાઈના વ્યક્તિત્વને લોકો સમજી શકે તેમનો શિક્ષકો પ્રત્યેનો પ્રેમ, સ્પષ્ટવક્તા, નિડરપણાંના ગુણો બતાવતા પ્રસંગો વર્ણવવામાં આવ્યા હતા. અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે જે સફળતા મેળવી હતી તે તેમના પ્રસંગો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સરદાર કથામાં ટ્રસ્ટ દ્વારા તમામ દાતાઓ તથા સહયોગ આપનાર તમામ લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થા દ્વારા ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓની પણ વાત કરવામાં આવી હતી.
આ પ્રસંગે દરેક સમાજની સંસ્થાઓનાં આગેવાનો, હોદ્દેદારો, અધિકારીશ્રીઓ, ગામ - પરિવાર મંડળના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં અનેક રાષ્ટ્રપ્રેમી લોકો જોડાયા હતા.
સરદાર કથાને સફળ બનાવવા માટે ટ્રસ્ટના યુવાનોએ ખૂબ જ મહેનત કરીને આ આયોજનને સફળ બનાવ્યું હતું.