WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટની કામગીરી બેનમુન: વિજયભાઈ રાઠોડજસદણ શહેર ભાજપ પ્રમુખ

જિંદગીમા જયારે માણસ બધી બાજુ સમસ્યાથી ઘેરાઈ દબાણમાં આવી જાય ત્યારે એને બીજાની સેવાની જરૂર પડે છે.. કોઈ માણસ આર્થિક રીતે પાયમાલ થઈ જાય, કોઈ શારીરિક રીતે તો કોઈ માણસ માનસિક રીતે.. આવા સંજોગોમા સમાજમાથી દેવદૂતો જેવા સેવકો બેઠા થાય અને એ સેવાની ધૂણી ધખાવે ત્યારે આ પીડાતા લોકોની આવી પીડાના જખમોને રૂઝ આવે .. ખરેખર તો માનવીનો ખરો ધર્મ પણ સેવા જ છે અને ખરૂ કર્મ પણ સેવા જ છે.. નિઃસ્વાર્થ ભાવે કોઈની સેવા કરી દો તો ઈશ્વર પણ વધારે રાજી રહે છે.

 આવીજ સેવા ભાવના સાથે લોકસેવાની ધૂણી ધખાવીને પીડિતોની પીડા પર મલમ પાથરી રહેલા સેવાના ભેખધારી 14 પાયાના સભ્યો, નેવુ કરતા વધારે પરિવાર કે જેમના મનમા અન્ય માટે કંઈક અર્પણ કરવાની કરૂણા છે અને 45 જેટલા સ્વયંસેવકોને એક વિચાર, એક ધ્યેય અને એક સેવાપથ થકી જોડતી જસદણની સંસ્થા એટલે આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ... 
જીવનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પાથરનાર સ્વામી વિવેકાનંદના આદર્શ ભારતના વિચારપંથને અનુસરી સદ્દભાવી અને શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે નિઃસ્વાર્થ પ્રયત્નો અને કાર્યો કરવાના હેતુ અને ધ્યેય સાથે વર્ષ 2012 માં એક જ માતૃશાળાના સહાધ્યાયી અને સ્વામી વિવેકાનંદના વિચારોને વરેલા મિત્રો દ્વારા આદર્શ ગ્રુપની શરૂઆત થઈ…
  “આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટ” અનેકવિધ સામાજિક,શૈક્ષણિક, પર્યાવરણીય અને આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ધ્યેયલક્ષી અને પ્રેરણાત્મક કાર્યો કરે છે..
 
       ટ્રસ્ટ દ્વારા સેવાના એ ચારેય ક્ષેત્રે વિવિધ પ્રવૃતિઓને એ રીતે ધ્યેયબદ્ધ આયોજિત કરવામાં આવે છે કે જેથી સમાજના વિવિધ જરૂરિયાતમંદ લોકો સુધી એમની ખરી જરૂરિયાત પૂરી પડે અને બીજા લોકોને આવા કાર્યો સાથે જોડાઈને સત્કર્મ કરવાની પ્રેરણા મળે…આદર્શ ટ્રસ્ટની આ જ મૂળ કાર્યપદ્ધતિ અને ધ્યેય છે.
સ્વામી વિવેકાનંદે જોયેલા આદર્શ ભારતના સ્વપ્નના નિર્માણ ના પ્રયત્નોરૂપે ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવે છે જેમકે…
.સામાજિક:
સમાજની વૈચારિક ઉન્નતિ થાય એવી વિવિધ પ્રવૃતિઓ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિની વિવિધ વિષયો થકી ઉજવણી કરવામાં આવે છે

- પુસ્તક મેળો :-
 દર બે વર્ષે 300 જેટલા ટાઇટલ અને 3500 થી વધારે પુસ્તકો સાથે 70ટકા સુધી ના ડિસ્કાઉન્ટ થી ભવ્ય પુસ્તક મેળા નું આયોજન કરવામાં આવે છે.. 
- વ્યક્તિત્વ વિકાસ સેમિનાર: દર બે વર્ષે પ્રેરણાત્મક વક્તાઓ સાથે વ્યક્તિત્વ વિકાસ અને સમાજ નિર્માણનાં સેમિનારો નું આયોજન કરવામાં આવે છે..
- માં અન્નપૂર્ણા પ્રસાદ: 
વર્ષ 2023 થી દાતાઓ ન સહયોગ સાથે 
જસદણની સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને એમની સાથેના સંબંધીઓ માટે બે ટાઈમ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા ચલાવવામાં આવે છે..
- કુદરતી આપદાઓ કે હોનારત વખતે રાશન કીટ વિતરણ અને જરૂરી સેવાકાર્યોનું આયોજન કરવામાં આવે છે.
- ધાબળા વિતરણ:
સ્વાભિમાન પૂર્વક પરિવાર ચલાવી શકે એ હેતુ થી વિધવા મહિલાઓને સિલાઈ મશીન સહાય
- આદર્શ જલ સેવા :-
 દર વર્ષે ઉનાળામા 3 માસ સુધી શહેર માં વિવિધ 9 સ્થળોએ હંગામી પરબ મૂકી તરસ્યા લોકો ની તરસ છુપાવવાનું કાર્ય 
.શૈક્ષણિક:
- નોટબુક વિતરણ: જરૂરિયાતમંદ વિધાર્થીઓ માટે દર વર્ષે રાહતદરે ફુલસ્કેપ નોટબુક વિતરણ
- વિધાર્થી આર્થિક સહાય:-
જરૂરિયાતમંદ વિધાર્થીઓને શૈક્ષણિક ફી,ગણવેશ, stationary સહાય
 
- સરસ્વતી સન્માન સમારોહ: દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એવા હેતુથી માતૃશાળામાં વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવું.
.પર્યાવરણીય:
લોકોમા પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાના હેતુથી દર ચોમાસે ઘર આંગણે વૃક્ષા રોપણ કાર્યક્રમ, રાહત દરે ટ્રી ગાર્ડ - પીંજરા વિતરણ અને ચકલીઓનાં માળાનું વિતરણ કરવામા આવે છે
જસદણના સેવાભાવી લોકોને સાથે રાખી મિયાવકી પદ્ધતિથી વન નિર્માણ
.આરોગ્યલક્ષી:-
- રકતદાન કેમ્પ:
લોકોમા રકતદાન માટે જાગૃતિ વધે, રક્તદાતાઓને સમયસર રકતદાન માટે પ્લેટફોર્મ મળી રહે અને રક્તની જરૂરિયાતને પહોંચી વળવા વર્ષ માં 4 વખત રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે..
- પ્રભુ પ્રાગટ્ય પ્રસાદ - શિરો સેવા:
પ્રસૂતિ બાદ તુરંત પ્રસૂતા માતાને આરોગ્યપ્રદ શક્તિવર્ધક ખોરાકની જરૂર પડતી હોય છે…જે ઘરે શુદ્ધ ઘી માંથી બનાવેલ પ્રભુના પ્રસાદરૂપ શિરો દ્વારા જ પૂરી પાડી શકાય
     પ્રસૂતા માતાની આ જરૂરિયાત પૂરી પાડવા માટે ટ્રસ્ટ દ્વારા 5 વર્ષ થી 24 કલાક જસદણની દરેક મેટરનિટી હોસ્પિટલ માં પ્રસૂતિ થયાના 15 મિનિટમા દરેક પ્રસૂતા માતાને શિરો સેવા પૂરી પાડવામાં આવે છે…
2021 મા 17 પરિવાર સાથે ચાલુ કરેલ આ સેવામાં આજે 92 પરિવાર જોડાયેલા છે જેમના ઘરેથી રોજ શુદ્ધ ઘીનો શિરો એમના આરાધ્ય દેવને ધરીને જસદણ ની તમામ પ્રસુતિ હોસ્પિટલોમાં ડિલિવરી બાદ તુરંત પ્રસૂતા માતાઓને પહોંચાડવામાં આવે છે…
    
- મેડિકલ સાધન સહાય: 
જરૂરિયાતમંદ દર્દીઓને જરૂરી મેડિકલ સાધનો નિઃશુલ્ક વાપરવા મળે તે માટે આ સેવા ચાલુ છે.
      ટ્રસ્ટ દ્વારા થતી દરેક સેવાકીય પ્રવૃતિઓમાં સેવા પૂરી પાડનાર કોઈ પણ સભ્ય કે દાતાઓની પ્રશસ્તિ કે વ્યક્તિગત પ્રચાર ના થાય અને સેવાના લાભાર્થીઓને કોઈ પણ પ્રકારનો સંકોચ ન થાય તેની ટ્રસ્ટ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે છે.
 
  આ અંગે જસદણ શહેર ભાજપ જીઆઈડીસી એસોસિએશન પ્રમુખ વિખ્યાત તિર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડએ પત્રકારો સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું કે આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટની સેવા બેનમુન છે ખાસ કરીને હોસ્પિટલમાં જે દર્દીઓ દાખલ હોય છે તેમને તથા તેમની સાથે રહેલા વ્યક્તિઓને ઘરનું ગરમાગરમ પોષ્ટિક ભોજન બંને સમય અને પ્રસુતા માટે 24 કલાક ગરમાગરમ શુધ્ધ ઘી માં બનેલો શીરો વિતરણ કરે છે તે સેવા પણ મુંગા મોઢે કોઈ પ્રસિદ્ધિ, દેખાડા વગર આવી લાયકાત ભાગ્યે જ હશે દાન આપનારા તો દાન આપી છૂટી જાય છે પણ આ સભ્યો 24 કલાક હોસ્પિટલમાં એક ફોન કરો એટલે દર્દીની સેવામાં હાજર થઈ જાય છે તેમની આ સેવાને ભલે કોઈ મોટો એવોર્ડ મળ્યો હોય કે ન મળ્યો હોય પણ દેખાવ કર્યા વિના આ સંસ્થા જે કામ કરે છે તે હજજારો જસદણવાસીઓના દિલમાં અને ઈશ્વરના ચોપડામાં એનું સ્થાન છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો