WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સરધાર પાસે બે કારો સામસામે અથડાતાં ઘટના સ્થળે ચાર ભડથું: ત્રણ ગંભીર

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
 રાજકોટ-ભાવનગર હાઈવે પર સરધાર ગામ નજીક આજે બપોરે એક હૃદયદ્રાવક અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત નીપજ્યા હતા. બે કારો સામસામે ધડાકાભેર અથડાયા બાદ બંનેમાં આગ લાગી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં ચાર લોકો જીવતા જ ભડથું થઈ ગયા હતા, જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતગ્રસ્ત બે કારો પૈકી એક રાજકોટ તરફ અને બીજી ભાવનગર તરફ જઈ રહી હતી. સરધાર ગામ નજીક અચાનક જ બંને કારો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે અથડાતાની સાથે જ બંને વાહનો આગના ગોળામાં ફેરવાઈ ગયા હતા. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાનો પણ સમય મળ્યો નહોતો. જેના કારણે ચાર લોકો અંદર જ જીવતા ભૂંજાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ તેમણે આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી ગંભીર રીતે દાઝેલા ત્રણ ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ નીરુબેન મકવાણા (ઉં.વ. ૩૦), હેતવી મકવાણા (ઉં.વ. ૪), હેમાંશી સરવૈયા (ઉં.વ. ૧૯) અને મિતુલ સાકરીયા (ઉં.વ. ૧૩) તરીકે થઈ છે. આ તમામ ગોંડલના રહેવાસી હતા. જ્યારે ઈજાગ્રસ્તો શાહીલ સરવૈયા (ઉં.વ. ૨૨), હિરેન મકવાણા (ઉં.વ. ૧૫) અને નીતુબેન સાકરીયા (ઉં.વ. ૪૦) છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ગોઝારી ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.

 તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો