જસદણમાં ટ્રેક્ટરના કામ બાબતે પાડોશી પરીવારે પાઈપથી હુમલો કરતાં બે યુવાનો ઘાયલ થયાં હતાં. પોલીસે એક મહિલા સહિત પાંચ શખ્સો સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
જસદણના લોહીયાનગરમાં રહેતા અરવિંદભાઈ મેઘાભાઇ રાઠોડ (ઉ.વ.33) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિજય દિલીપ મેટાળીયા, સંજય દિલીપ મેટાળીયા, મેહુલ દિલીપ મેટાળીયા, દિલીપ મેટાળીયા અને રસિલાબેન દિલીપ મેટાળીયા (રહે-જસદણ) નું નામ આપતાં પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ સેન્ટીંગમાં મજુરી કામ કરે છે. તેમજ તેમની પાસે ટ્રેકટર છે, તે માટી કામમાં ચલાવે છે. તેઓએ સાત-આઠ મહીના પહેલા નવુ ટ્રેકટર લીધેલ હતુ, તે ટ્રેક્ટર બાજુમાં રહેતા વિજય મેટાળીયા કે જેમની પાસે પણ ત્રણ ટ્રેક્ટર છે.
તેઓના ટ્રેકટર માટી ભરવામાં ચાલતા હતા. જેથી તેઓએ સાથે ચલાવવા માટે કહેતા ફરિયાદીએ હા પાડેલ હતી. બાદમાં બે મહીના સુધી વિજય મેટાળીયા, સંજય મેટાળીયા, મેહુલ મેટાળીયા સાથે ટ્રેકટર ચલાવેલ હતુ. તેમજ વિજય પાસે લોડર હતુ, તે તેઓએ વેચી નાખતા તેઓ સાથે ટ્રેકટર ચલાવવાનું બંધ કરી દીધેલ હતુ, બાદમાં તેઓ મજુરીએ લાગી જતાં વિજય કહેતો કે, હમણા જેસીબી આવશે એટલે ચાલુ થઈ જશે, પરંતુ જેસીબી આવેલ નહી, જેથી તેઓએ ટ્રેક્ટર છુટક ભાડામાં ચાલુ કરી દીધેલ હતુ.
જેથી આરોપીઓ તેમની સાથે બોલતા બંધ થઈ ગયેલ હતા. પાંચ દીવસ પહેલા તેઓએ જેસીબી લીધેલ અને તેઓ અવારનવાર મારી સામે કતરાતા ચાલતા હતા.
ગઇકાલે રાત્રીના સાડા આઠ વાગ્યા બાદ તેઓ તેમના પત્ની તથા દીકરી સાથે ઘરે જમતા હતા ત્યારે ડેલી ખખડેલ જેથી ડેલી ખોલેલ તો સંજય મેટાળીયા હતો, તેઓએ કહેલ બહાર આવો જેથી કહેલ કે, જમીને આવુ જેથી તેઓ જતા રહેલ હતાં.
બાદમાં તેઓ જમતા હતા ત્યારે રાત્રીના સમયે સંજય મેટાળીયાનો ફોન આવેલ કહેલ કે, જમી લીધું હોય તો બહાર આવો જેથી બહાર ગયેલ તો આરોપીઓ લોખંડના પાઇપ સાથે ઊભાં હતાં અને કોલર પકડી જાહેર રોડ ઉપર લઈ ગયેલ અને હુમલો કરી દિધો હતો.
દરમિયાન ફરિયાદીનો ભાઈ વચ્ચે પડતાં તેને પણ આરોપીઓએ પાઈપના ઘા ઝીંકી દિધા હતાં. બાદમાં આરોપીઓ નાસી છૂટ્યા હતાં.
તેમજ ઇજાગ્રસ્તને સારવારમાં જસદણ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે એક મહિલા સહિત પાંચ શખ્સ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો
યુવાને આરોપીઓ સાથે ટ્રેક્ટર ચલાવવાની ના પાડતાં મારામારી થઈ હતી