જસદણમાં ભત્રીજો પાડોશીની પુત્રીને ભગાડી જતા કાકા સહિતના પરિજનો પર હુમલો
જસદણમાં ભત્રીજો પાડોશીની દીકરીને ભગાડી જતા કાકા સહિતના પરિવારજનો પર હુમલો થયો હતો. કેશુભાઈ ધોળકિયા ઈજાગ્રસ્ત થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને આ બનાવમાં પોલીસે 2 મહિલા સહિત 6 સામે ગુનો નોંધ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ, જસદણમાં પોલારપર રોડ પર ગજાનન સોસાયટી પાછળ રહેતા ભોજાભાઈ ધોળકિયા (ઉં.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અશોક રવજી સોલંકી, મનોજ રવજી સોલંકી, જસુબેન મનોજ સોલંકી, સચીન મનોજ સોલંકી, છાયાબેન સચીન સોલંકી, સુમિત અશોક સોલંકી (રહે. તમામ જસદણ) નું નામ આપતા જસદણ પોલીસે બીએનએસ એક્ટ 118(2),115(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, હું કડિયા કામ કરું છું. મારું મૂળ ગામ વિછીયાનું મોટા માત્રા છે. અમે ત્રણ ભાઈ હતા જેમાં મોટો મનસુખભાઈ જેમનું પંદરેક વર્ષે પહેલાં અવસાન થયેલ અને તેનો પરિવાર મોટા માત્રા ગામે રહે છે. વીસ દિવસ પહેલા તેઓની બાજુમાં રહેતા અશોક સોલંકીએ કહેલ કે, તારો ભત્રીજો વિમલભાઈ ધોળકિયા મારી ભત્રીજીને લઈને ક્યાંક જતો રહેલ છે કહેતાં તેને આ બાબતે કાંઈ ખબર નથી તેવું કહેલ હતું.
બાદ દસ દિવસ પહેલા અશોક સોલંકી ફરી વાર ઘરે આવેલ અને દંપતીને કહેવા લાગેલ કે, મારી ભત્રીજીને તમે ગમે ત્યાંથી શોધી આપો નહીંતર હું તમને બધાને પતાવી દઈશ અને ગાળો બોલી જતો રહેલ હતો. તા. 28 ના સાંજના સમયે ભાણો નરેશ પરનાળીયા કડી નાકામાંથી બાઈક લઈ ઘર બહાર પહોંચેલ ત્યારે મનોજ સોલંકી, તેની પત્ની જસુબેન પાઈપ અને લાકડી લઈ ઘસી આવેલ અને હુમલો કરી દેતાં નીચે પડી ગયેલ.
પગમાં ઈજા પહોંચતા આરોપી નાસી છૂટ્યા હતા. દરમિયાન મનોજનો દીકરો સચિન તથા તેની પત્ની છાયા સાથે મનોજ અને તેની પત્નીએ પણ મારી પત્ની અને ભાણાને લાકડી-પાઇપ વડે માર મારેલ હતો. મને 108 મારફત સારવારમાં પ્રથમ જસદણ અને બાદમાં રાજકોટ ખસેડેલ. મને શરીરે તથા જમણા પગમાં વધારે વાગી ગયેલ. ડોક્ટરે તપાસી મને ડાબા હાથના અંગૂઠામાં તથા ડાબા પડખામાં પાંસળીમાં તથા જમણા પગમાં ફ્રેક્ચર થયેલ હોવાનું જણાવેલ.મનોજ સોલંકીની દીકરી મારા ભત્રીજા વિમલ સાથે ભાગીને જતી રહેલ. જે બનાવવાનો ખાર રાખી અશોક સોલંકીએ મને તથા મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા તમામ આરોપીઓએ મળી હુમલો કર્યો હતો.