યુવાને સારવારમાં દમ તોડતા બે બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા લાલપરી વિસ્તારમાં રહેતો યુવાન જસદણના જંગવડ ગામે ભંગાર વીણતો હતો. ત્યારે ઝેરી સાપે ડંખ માર્યો હતો. સર્પદંશથી યુવકનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા લાલપરી વિસ્તારમાં રહેતા વિપુલ અરજણભાઈ વિકાણી નામનો 37 વર્ષનો યુવાન આટકોટના જંગવડ ગામે આવેલા કારખાનામાં સવારના દસેક વાગ્યાના અરસામાં ભંગાર વિણતો હતો. ત્યારે ઝેરી સાપ કરડી જતા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગર નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં વિપુલ વિકાણી બે ભાઈ એક બહેનમાં વચ્ચે હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. વિપુલ વિકાણી ભંગારનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો વિપુલ વિકાણી જંગવડ ગામે કારખાનામાં ભંગાર વિણતો હતો ત્યારે ઝેરી સાપે મરેલો ડંખ જીવલેણ નીવડ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે આટકોટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.