નવા સત્રનો આરંભ થતા સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. પણ વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ કથળી છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ પ્રવતી રહી છે. સરકારી શાળાઓ બંધ થઈ રહી છે.
ઘણી સરકારી શાળાઓમાં એક જ વર્ગમાં બધા ધોરણના વિદ્યાથીઓ અભ્યાસ કરી રહ્યા છે. કેટલી શાળાઓ એવી છે કે ત્યાં એક જ શિક્ષક છે. શિક્ષણની સ્થિતિ સુધારવાનાને બદલે સરકાર પ્રવેશોત્સવ ઉજવીને લાખો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.
સરકાર હજારો વિદ્યાથીઓને પ્રવેશ આપી રહી છે પણ આ વિદ્યાથીઓને ભણાવશે કોણ? ગુજરાતમાં ૪૦ હજાર શિક્ષકોની ઘટ છે . ભરતી કેલેન્ડર મુજબ સરકાર શિક્ષકોની ભરતી કરતી નથી . શિક્ષકો વગર વિદ્યાથીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે. ત્યારે ના છૂટકે વાલીઓ સંતાનોને ખાનગી શાળાઓમાં એડમિશન અપાવી અભ્યાસ કરવા મજબુર બન્યા છે. શાળાઓમાં આજે ૩૮ હજાર વર્ગખંડોની અછત છે . વિદ્યાથીઓને ક્યાં અભ્યાસ કરાવવો એ એક યક્ષ પ્રશ્ન છે રાજ્યમાં ૧૦ હજારથી વધુ વર્ગખંડો પડુ પડુ થઈ રહ્યા છે એની પણ કોઈ કાળજી લેવાતી નથી. ગ્રામ્ય આદિવાસી વિસ્તારોમાં વિદ્યાથીઓ ઝાડ નીચે બેસી અભ્યાસ કરી રહ્યા છે.
બીજી કડવી વાસ્તવિકતા એ છે કે ૫૬૧૨ શાળાઓને ખંભાતી તાળાઓ લાગી ગયા છે. વિદ્યાથીઓના અભાવે કે મજ કરવાને બહાને શાળાઓ બંધ કરવામાં આવી છે.
રાજ્યમાં ૩૪૧ શાળાઓ એવી છે કે જ્યાં એક જ ઓરડામાં બધા ધોરણના વિદ્યાથીઓ અભ્યાસ કરી રહ્યા છે. ગુજરાતમાં ૨૪૬૨ શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે. આ એક જ શિક્ષક બધા ધોરણના વિદ્યાથીઓને અભ્યાસ કરાવી રહ્યા છે . હવે આ શાળાઓમાં વિદ્યાથીઓ કેવો અભ્યાસ કરતા હશે તેની તો કલ્પના પણ થઈ શકે એમ નથી.
દેશમાં ૨૫ વિદ્યાથીઓ દીઠ એક શિક્ષકનો રેશિયો જળવાઈ રહ્યો છે. ઝારખંડમાં ૩૫ વિદ્યાથીઓ વચ્ચે એક શિક્ષક છે . બિહારમાં ૩૨ વિદ્યાથીઓ વચ્ચે એક શિક્ષક છે ગુજરાતમાં ૨૯ વિદ્યાથીઓ વચ્ચે એક શિક્ષક છે.
ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ બદલવાની ખાસ જરૂર છે. શિક્ષણશાસ્ત્રીઓ શિક્ષકો આચાર્યો વાલીઓ બધાએ ભેગા મળીને આ સમસ્યાઓનો ઉકેલ તાત્કાલિક લાવવો જરૂરી છે.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા.
સુરત
૮૨૦૦૧૩૧૪૫૫