વિંછીયા તાલુકાના વિંછીયા ગામમાં વારસાઈ જમીનની ભાગબટાઇને લઈને સગા ભાઈઓ વચ્ચે ઉગ્ર વિવાદ થતાં સરપંચ ચતુરભાઈ ભીખાભાઈ રાજપરા પર તેમના જ ભાઈએ કુહાડીથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં સરપંચ તેમજ તેમની પત્ની બંનેને ઈજાઓ પહોંચી હતી, જેને પગલે બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ચતુરભાઈ રાજપરા સાંજના સમયે જવાહર બાગ ખાતે હાજર હતા, ત્યારે તેમની પત્નીનો ફોન આવ્યો હતો કે અશોકભાઈ ભીખાભાઈ રાજપરા (સગરા ભાઈ) વાડીએ ગાળો બોલી રહ્યા છે. ચતુરભાઈ તરતજ ગામની સીમમાં આવેલી પોતાની વાડી પર પહોંચ્યા હતા, જ્યાં અશોકભાઈ ગાળો આપતા હતા. સરપંચે ગાળો બોલવાની મનાઈ કરતાં અશોકભાઈ વધુ ઉશ્કેરાયા હતા અને બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.
વિવાદ દરમિયાન સરપંચની પત્ની વચ્ચે પડતાં અશોકભાઈએ હાથમાં ધરેલી કુહાડી વડે હુમલો કર્યો હતો. કુહાડીનો ઘાવ સરપંચની પત્નીના કપાળે વાગતાં તેઓ લોહી લુહાણ થયા હતા. પરિવારના અન્ય સભ્યો ઘટનાસ્થળે પહોંચી જતા દંપતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
સરપંચ ચતુરભાઈ રાજપરાએ વિંછીયા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે અશોકભાઈ ભીખાભાઈ રાજપરા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગામમાં આ ઘટનાને કારણે ચકચાર મચી છે તથા લોકોમાં ચિંતાનો માહોલ છે.