અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વોચ ગોઠવી હતી દારૂ પકડવા અને કારમાંથી દારૂ સાથે રોકડા 21 લાખ મળ્યાં, 3 ઝડપાયા

 વોચ ગોઠવી હતી દારૂ પકડવા અને કારમાંથી દારૂ સાથે રોકડા 21 લાખ મળ્યાં, 3 ઝડપાયા


  • બગાસું ખાતા પતાસું મળ્યું: બાવળા LCBએ 24 બોટલ દારૂ સહિત 28.74 લાખની મતા ઝડપી



અમદાવાદ જીલ્લા ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમી આધારે બાવળા તાલુકાનાં ભાયલા ગામના બ્રિજ પાસે વોચ ગોઠવી બાતમી મુજબની ગાડી નીકળતા તેને ઊભી રખાવીને તપાસ કરતાં બગાસુ ખાતા પતાસું મળ્યું જેવો ઘાટ સર્જાયો હતો. તપાસ કરતાં ગાડીમાંથી ભારતીય બનાવટનો દારૂની 24 બોટલ મળી આવી હતી. જેથી 86,699 રૂપિયાનો દારૂ, 21,98,270 રૂ. રોકડા, 5,00,000 રૂ.ની ગાડી, 90,000 રૂ.ના 4 મોબાઇલ મળી કુલ 28,74,969 નો મુદામાલ કબ્જે કરીને 3 શખસને ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે અમદાવાદ વિભાગ પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખરે જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે ખાસ એકશન પ્લાન બનાવી વ્યૂહાત્મક જગ્યાએ નાકાબંધી અને અસરકારક વાહન ચેકિંગ કરીને દારૂબંધી બાબતે પરીણામલક્ષી અને અસરકારક કામગીરી કરવા તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. જે સૂચના આધારે જીલ્લા પોલીસ વડાએ જીલ્લાના અધિકારીઓને ખાસ સૂચના કરતા એલસીબી પીઆઈ ડી.બી.વાળા અને તેમની ટીમે પોતાના બાતમીદારો કાર્યરત કરીને કામે લગાડ્યા હતા.



જેના પરિણામ સ્વરૂપે એએસઆઇ દિલીપસિંહને બાતમી મળી કે એક કાર અમદાવાદ-બગોદરા હાઈ-વે ઉપરથી નીકળવાની છે. જે બાતમીના આધારે બાવળા તાલુકાના ભાયલા ગામના બ્રિજ નજીક રોડ પર એલસીબી પીઆઇ ડી.બી.વાળા, એએસઆઇ વિજયસિંહ મસાણી, એએસઆઇ દિલીપસિંહ પરમાર, કોન્સ્ટેબલ હરદીપસિંહ વાળા, બિરેન્દ્રસિંહ ડાભી, મહેન્દ્રસિંહ સોલંકી, ખુમાનસિંહ સોલંકી, રઘુવીરસિંહ ગોહિલ, જયદીપસિંહ પઢેરીયા વોચમાં ગોઠવાઈ ગયા હતાં.


થોડીવારમાં બાતમી મુજબની કાર નીકળતાં તેને ઊભી રાખીને તપાસ કરતાં ગાડીમાંથી દારૂની 2 લીટરની તથા 750 મીલીની 24 બોટલ મળી આવી હતી. જેથી 86,699 રૂપીયાનો દારૂ, ગાડીમાંથી વધુ મળેલા 21,98,270 રૂ. રોકડા, ઝડપાયેલાની તપાસ કરતા તેમની પાસેથી મળેલા 98,270 રૂપીયા, 90,000ના 4 મોબાઇલ, 5,00,000 ની ગાડી મળી કુલ 28,74,969 રૂપીયાનો મુદામાલ કબ્જે કરીને 3 શખસને ઝડપી લઈ જેલમાં ધકેલી તપાસ હાથ ધરી છે.

પકડાયેલા શખસોમાં શકિતસિંહ વનરાજસિંહ ચુડાસમા (રહેવાસી, પ્લોટ નં.185, પટેલનગર , મિલિટરી સોસાયટી પાછળ, ચિત્રા ભાવનગર, યશપાલસિંહ રણજીતસિંહ ગોહીલ (રહેવાસી, 3 શિવધારા બંગ્લોઝ, જેલ રોડ, ભાવનગર અને રાજેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા (રહેવાસી, પ્લોટ નં.185, પટેલનગર, મિલિટરી સોસાયટી પાછળ, ચિત્રા, ભાવનગરનો સમાવેશ થાય છે.આ તમામ આરોપીની પોલીસ દ્વારા હાલમાં પુછપરછ ચાલી રહી છે આ બનાવથી ચકચાર મચી ગઈ હતી.

વધુ નવું વધુ જૂનું