અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આવતીકાલથી 27 જુલાઈ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા

આવતીકાલથી 27 જુલાઈ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ ફરીવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. પાકિસ્તાન તરફના દરિયામાં લો પ્રેશર એક્ટિવ થયું છે, જે આગામી 24 કલાકમાં ગુજરાત પહોંચી શકે છે. આ લો પ્રેશરને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં 23થી 27 જુલાઇ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં લો પ્રેશરની અસર શુક્રવાર રાતથી જ વર્તાવાની શરૂ થઈ જશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે તેમજ અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની સંભાવનાને પગલે કચ્છ, ઉત્તર ગુજરાતમાં શનિવાર અને રવિવારે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે

હવામાન વિભાગ દ્વારા શનિવારે કચ્છ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-ગાંધીનગર-અરવલ્લી-સુરેન્દ્રનગર-મોરબીમાં ઓરેન્જ, જ્યારે જામનગર-રાજકોટ-બોટા-અમદાવાદ-ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે. કચ્છમાં શનિવારે રેડ, બનાસકાંઠા-પાટણ-મહેસાણા-મોરબી-જામનગર-સુરેન્દ્રનગર-દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ, જ્યારે રાજકોટ-બોટાદ-પોરબંદર-અમદાવાદ-ખેડા-ગાંધીનગર-સાબરકાંઠા-અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આવતીકાલે અને રવિવારે ભારે વરસાદ પડે એવી સંભાવના છે.
ગુજરાતમાં 20.25 ઈંચ સાથે 60 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં ચોમાસાની પ્રથમ સીઝનમાં 20.25 ઈંચ સાથે 60 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં ઝોન પ્રમાણે જોઈએ તો કચ્છમાં સીઝનનો 104 ટકા, ઉત્તર ગુજરાતમાં 36 ટકા, મધ્ય ગુજરાતમાં 51 ટકા, સૌરાષ્ટ્રમાં 58 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 75 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ગાંધીનગરના માણસા, સાબરકાંઠામાં પ્રાંતિજ, અરવલ્લીમાં ધનસુરા અને વલસાડના કપરાડામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અત્યારસુધી નોંધાયો છે. ત્યારે આજથી મેઘરાજા ઉત્તર ગુજરાતને ધમરોળશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની વકી

લો પ્રેશરની અસરથી આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતના પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે તેમજ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.લો પ્રેશરની અસરથી શુક્રવારે મોડી રાતથી અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ શરૂ થશે તેમજ શનિવાર-રવિવારે મધ્યમથી ભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

વધુ નવું વધુ જૂનું