રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ ચોમાસુ ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. જોકે, નૈઋત્યના ચોમાસાએ દેશભરમાંથી સત્તાવરા રીતે વિદાય લઈ લીધી છે, તેમ ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
પરંતુ વિવિધ કારણોસર હજુ પણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હાલમાં લોકલ કન્વેક્શનને કારણે અને મોઈશ્ચર (ભેજ)નું પ્રમાણ વધુ હોવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
જોકે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, તેને કારણે આ ભાગોમાં તાપમાન પણ વધુ અનુભવાય રહ્યું છે.
48 કલાક ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે.
તદુપરાંત હજુ પણ આગામી પાંચ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાન યથાવત્ રહેશે. ત્યારબાદ લઘુતમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાય શકે છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ સાંજના સમયે અત્યંત ભારે ગાજવીજ સહિત વરસાદ વરસ્યો હતો.
અમદાવાદ શહેરમાં તો વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. થન્ડરસ્ટમનું મુખ્ય કારણ હતું કે, વાતાવરણના નીચેના સ્તર ઉપર વાદળોની પ્રક્રિયા ચાલી રહી હતી, જેને કારણે જમીનથી ખૂબ જ ઓછા ઊંચાઈ ઉપર વીજળીના ગડગડા થતા હતા.
આજે પણ અમદાવાદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. તે સાથે જ સાંજના સમયે સામાન્ય ગાજવીજ પણ રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
યલો એલર્ટ
રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી.