થાનગઢમાં 17 વર્ષની સગીરા પર 8 યુવાને 7 મહિના સુધી અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું. જેમાં ટીમો બનાવી 10થી વધુ સ્થળે દરોડા કરતા 1 આરોપી ઝડપી પડાયો હતો. થાન પીઆઈ વી.કે.ખાંટે જણાવ્યું કે, આ બનાવમાં ભોગ બનનાર સગીરા વિસ્તારના ઘરમાં કામ કરવા માટે જતા હતા ત્યારે આ યુવાનો હરિનગરના બંગલો બહાર બેસી રહેતા હતા. સગીરા અવાર નવાર નીકળતી ત્યારે દર્શન સાથે ઓળખાણ થઇ હતી. બાદમાં પરિચય વધ્યા બાદ દર્શન સગીરાને હરિનગરના મકાનમાં લઇ ગયો હતો.
અન્ય આરોપીઓ સગીરાના સંપર્કમાં કેવી રીતે આવ્યા તે હવે તે પકડાય પછી જાણકારી મળી શકે. થાનગઢમાં ઘરકામ અને મજૂરી કરી પેટીયું રળતા પરિવારની 17 વર્ષની દીકરીને થાનના 8 શખસ દ્વારા છેલ્લા 7 મહિનાથી દીકરીને હરીનગરના બંગલોમાં લઇ જઇ દુષ્કર્મ આચરતા હતા. ત્યારે આ બનાવની થાનગઢ પોલીસ મથકે સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા એસપી સહિત પોલીસ ટીમ દોડી આવી હતી. ત્યારે આરોપીને પકડવા પોલીસની 4 ટીમ બનાવાઈ હતી.
જેઓએ થાન શહેર તથા તાલુકામાં તપાસ હાથ ધરી 24 કલાકમાં 10થી વધુ સ્થળે દરોડા કર્યા હતા. જેમાં થાન ભોયરેશ્વર મહાદેવ મંદિર સામે પેટ્રોલપંપ પાસે બાઇક પર દર્શન સદાસીયા નામનો આરોપી મળી આવતા તેની ધરપકડ કરાઈ હતી. અન્ય 7 આરોપી હજુ પોલીસ પકડથી દૂર હોવાથી તેમની તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરાશે જેમાં અન્ય આરોપી ક્યાં છે તે સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે.