ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે વિંછીયા તાલુકાના બંધાળી - વનાળા - સનાળા રોડના સમારકામનું શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરાયું હતું. રાજકોટ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત ખાસ મરામત યોજના હેઠળ રૂ.1.65 કરોડના ખર્ચે 6.25 કિલોમીટરના રસ્તા પર ડામર કામ અને ફર્નીશિંગ કરાશે.
આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, જસદણ તાલુકા અને વિંછીયા તાલુકાના નાના-મોટા રસ્તાઓ રીકાર્પેટ થઈ ગયા છે.
જન-આરોગ્ય અર્થે મોટાભાગના ગામોમાં આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. અંતરિયાળ વિસ્તારોમાં રહેતા બાળકને પણ સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હજુ અનેક કામગીરી પ્રગતિ હેઠળ છે અને વિવિધ વિકાસકામોની મંજૂરી પ્રક્રિયા થઈ ચૂકી છે. ત્યારે જસદણ-વિંછીયા પંથકના વિકાસકાર્યો કરવા આગામી વર્ષના બજેટમાં વિવિધ જોગવાઈઓ કરાશે.
આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું. નાયબ કાર્યપાલક ઇજનેર જે. એન. રાઠોડએ સ્વાગત પ્રવચન અને અગ્રણી ખોડાભાઈ ખસિયાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં બંધાળી ગામના સરપંચ હંસરાજભાઈ ભાલારા, મામલતદાર આર. કે. પંચાલ સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને ગામ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.