36 પ્રાથમિક શાળામાં સોલાર નાખવા 45 લાખની ગ્રાંટ ફાળવાઇ પણ જસદણ પંથકની બે શાળા જર્જરિત હાલતમાં જસદણના આધ્યા ગામે પણ બાળકો વૃક્ષ નીચે ભણવા મજબૂર, જમીન ફાળવાઇ હોવા છતા પદાધિકારીઓને શાળા બનાવવામાં કોઇ રસ નથી
કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના વિસ્તારમાં શિક્ષણની કથડતી સ્થિતિ હોય તેવું ચિત્ર બહાર આવ્યું છે. સરકાર દ્વારા સર્વ શિક્ષણ અભિયાનની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ અહીં વાસ્તવિકતા કંઇક અલગ જ જોવા મળી રહી છે.
જસદણ તાલુકાના કુંદણી ગામે આવેલી પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં હોય છેલ્લા એક વર્ષથી ધોરણ 1થી 8ના 122 વિદ્યાર્થીને વવાણિયા પરિવારના માતાના મઢમાં અભ્યાસ કરાવવામાં આવે છે જ્યારે આધ્યા ગામે પણ બાળકો વૃક્ષ નીચે બેસી ભણવા માટે મજબૂર છે. રાજકોટ જિલ્લાની 36 પ્રાથમિક શાળામાં સોલાર નાખવા માટે રૂ.45 લાખની ગ્રાંટની ફાળવણી કરવામાં આવી છે.
પરંતુ જસદણ તાલુકાના કુંદણી અને આધ્યા ગામે ભણવા માટે એક પણ રૂમ નથી. સરપંચ ધનજીભાઇ દ્વારા તાલુકાકક્ષાએ અને જિલ્લાકક્ષાએ અનેક રજૂઆત કરી છતાં કોઇ જ શાળા ફાળવવામાં આવી નથી. આ મુદ્દે ધારાસભ્ય અને મંત્રીને પણ અગાઉ રજૂઆત કરાઇ છે છતાં એક રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી.
કુંદણી ગામના સરપંચ ધનજીભાઇના જણાવ્યા અનુસાર પંચાયત દ્વારા એક વર્ષ પહેલા જ શાળા બનાવવા માટે જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે. પરંતુ સત્તાધીશો અને પદાધિકારીઓને શાળા બનાવવામાં કોઇ જ રસ ન હોય તેમ કોઇ પગલાં લેવાયા નથી.
શાળા જર્જરિત હોય વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ
શાળાનું બિલ્ડિંગ અતિ જર્જરિત હોય એક વર્ષ પહેલા આસપાસના વિસ્તારમાં કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સરપંચને રજૂઆત કરી હતી ત્યારે ગામમાં આવેલા વવાણિયા પરિવારના માતાના મઢમાં એક રૂમ અને ઓસરીમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું છે.
સરકાર દ્વારા શાળા માટે નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવે તે જરૂરી છે. > કુંદણી પ્રાથમિક શાળા, શિક્ષક
શાળા નહીં ફાળવાય તો કચેરીને તાળાબંધી કરાશે
સરપંચ દ્વારા વારંવાર રજૂઆત બાદ હું 20 દિવસ પૂર્વે કુંદણી ગામની મુલાકાતે ગયો હતો ત્યારે ત્યાં બાળકો શાળાના બિલ્ડિંગને બદલે માતાના મઢમાં અભ્યાસ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું.
આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણીને પણ રજૂઆત કરી રૂમ ફાળવવાની માગ કરી છે. ત્યારે જો ત્રણ મહિનામાં શાળા કે રૂમ ફાળવવામાં નહીં આવે તો જિલ્લા શિક્ષણ કચેરીને તાળાબંધી કરવામાં આવશે. > મનસુખભાઇ સાકરિયા, જિલ્લા પંચાયત સભ્ય, ભડલી