WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછીયામાં પથ્થરમારાની ઘટના બાદ હેરાનગતિના આક્ષેપ: મૃતકના પરિવારજનોએ પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા

વિંછિયામાં પોલીસ પર પથ્થરમારાનો મામલો :મૃતકના પરિવારજનોનો પોલીસ પર હેરાનગતિનો આરોપ, કહ્યું- 'લોકો બારમાની વિધિમાં આવતા પણ ડરી રહ્યા છે'
રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના થોરીયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરતા ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી હતી.

આ ઘટનામાં પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડયા છે પરંતુ, તેમાં કલેક્ટર અને SPની બાંહેધરી બાદ પણ આરોપીઓનું સરઘસ કાઢવામાં ન આવતા મામલો બીચક્યો હતો અને પથ્થરમારાની ઘટના સામે આવી હતી. 
જોકે, તે બાદ હવે મૃતકના પરિવારજનોએ આજે મીડિયા સમક્ષ પોલીસ હેરાન કરતી હોવાનો અને નિર્દોષ લોકોને પકડીને જેલમાં પૂરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

આવતીકાલે બારમું છે ને મૃતકના બેસણામાં પરિવારજનો પણ આવી શકતા નથી એવી સ્થિતિ પોલીસે ઊભી કર્યાના આક્ષેપ મૂકાયા. પરિવારજનોએ આ અંગે રાજકોટ ગ્રામ્ય SPને રજૂઆત પણ કરી.

પથ્થરમારો હકીકતમાં બીજા લોકો દ્વારા કરવામાં આવ્યો છે
ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોરે જણાવ્યું હતુ કે, અમારી રજૂઆત એ છે કે, વિછીયામાં જે બનાવ બન્યો છે તેમાં પથ્થરમારાની વાત કરવામાં આવી રહી છે. 
પથ્થરમારો હકીકતમાં બીજા લોકો દ્વારા કરવામાં આવ્યો છે, કોળી સમાજ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો નથી. જે બાદ પોલીસે આ ઘટના સમયે મજૂરી કામ કરી રહ્યા હતા કે, ઘરે હતા એવા લોકોને પકડીને જેલમાં પૂરવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરે છે ત્યારે આજે અમે રાજકોટ ગ્રામ્ય SPને રજૂઆત કરી હતી.

CCTV ફૂટેજ તપાસો ને પછી કાર્યવાહી કરો
જેમાં અમે જણાવેલું છે કે, આ બનાવ જે જગ્યાએ બન્યો છે ત્યાંના CCTV ફૂટેજ પોલીસ દ્વારા કાઢવામાં આવે. જેમાં હકીકતમાં કયા વ્યક્તિએ પથ્થરમારો કર્યો છે, કોણ વ્યક્તિ છે? જે સામે આવ્યા બાદ તે વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવે.

નિર્દોષ વ્યક્તિઓને ન પકડવામાં આવે. મૃતક ઘનશ્યામભાઈના બેસણામાં કોઈપણ સગા આવી શકતા નથી. હાલમાં ત્યાં પોલીસનો ખૂબ જ ત્રાસ છે.

ઉશ્કેરાટ ફેલાવીને પથ્થરમારો કરવામાં આવ્યો છે
મુકેશ રાજપરા અને નવનીત સોલંકી જે કોળી સમાજના આગેવાન છે. આ બનાવના બે કલાક પહેલા પોલીસે અટકાયત કરી નાખી હતી.

જે 84 લોકોને પકડવામાં આવ્યા છે તેમાંથી 7 લોકો તો કોળી સમાજનાં છે જ નહીં. જેમાં 2 વ્યક્તિ તો આરોપીના સગા ભાણેજ છે.

ઉશ્કેરાટ ફેલાવીને પથ્થરમારો કરવામાં આવ્યો છે અને તેમાં બહેનોને ખરાબ શબ્દો કહેવામાં આવ્યા અને ત્યારબાદ આ પથ્થરમારો થયો છે.

સગા-વ્હાલાઓ ઘરે આવવાથી ડરે છે
મૃતક ઘનશ્યામ રાજપરાના નાનાભાઈ લક્ષ્મણભાઈએ જણાવ્યું હતું કે, આવતીકાલે ઘનશ્યામભાઈની બારમાની વિધિ છે પરંતુ, પથ્થરમારા બાદ પોલીસ ગમે તેને પકડી પાડે છે, તેને કારણે સગા-વ્હાલાઓ ઘરે આવવાથી ડરે છે. 

પોલીસ દ્વારા એવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે કે જે ઘરની બહાર નીકળશે તેને પકડી લઈશું. ગામડામાં મજૂરી કામ કરતા લોકોને શોધી શોધીને પોલીસ પકડી રહી છે જેથી આ બંધ કરવામાં આવે તેવી માંગણી SP સમક્ષ કરવામાં આવી છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરતા ઘનશ્યામભાઈની હત્યા કરવામાં આવી હતી. જેમાં 6 આરોપી ઝડપાઈ ગયા છે જોકે, હજુ 1 આરોપી બાકી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો