હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન માટે દિવ્યાંગ મતદારોનો જુસ્સો બુલંદ જોવા મળ્યો હતો. બંને પગે દિવ્યાંગ હોવા છતાં ૬૫ વર્ષીય બુઝર્ગ મતદારે મતદાન મથક પર આવીને મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીનો ધર્મ નિભાવ્યો હતો.
જસદણની જલારામ સોસાયટીમાં રહેતા જયદેવગીરી વીરગીરી ગોસાઈ (ઉ.૬૫)ને દસ વર્ષ પહેલાં અંકલેશ્વર જીઆઇડીસી પાસે એક અકસ્માત નડ્યો હતો. જેમાં કમરના મણકામાં ગંભીર ઈજા પહોંચતા, પેટ નીચેનો શરીરનો ભાગ ઈજાગ્રસ્ત થતા ખોટો પડી ગયો છે. જેના કારણે તેઓ છેલ્લા દસ વર્ષથી પથારીવશ છે.
આજે ૧૬ ફેબ્રુઆરીએ જસદણ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થતું હતું ત્યારે જયદેવગીરીએ પણ બુથ પર જઈને મતદાન કરવા માટેનો ઉત્સાહ દર્શાવ્યો હતો. આથી રિટર્નિંગ ઓફિસર રાહુલકુમાર ખાંભવા દ્વારા દિવ્યાંગ મતદારો માટે કરાયેલી વિશેષ વ્યવસ્થા અંતર્ગત, એક ટીમ વાન તથા વ્હીલચેર તેમના ઘરે મોકલવામાં આવી હતી. આ ટીમ વડીલ મતદાર જયદેવગીરીને ઘરેથી સલામતી અને સગવડપૂર્વક સરદાર પટેલ નગર પ્રાથમિક શાળા ખાતે બનેલા મતદાન મથક સુધી લઈ ગઈ હતી. અહીં જયદેવગીરીએ મત આપીને લોકશાહીનો ધર્મ નિભાવ્યો હતો.
આ તકે તેમણે કહ્યું હતું કે, દિવ્યાંગ નાગરિકો પણ બુથ પર જઈને મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઘરેથી લાવવા તથા લઈ જવાની સરસ વ્યવસ્થા કરાઈ છે. એના લીધે હું મારા મતાધિકારનો ઉપયોગ કરી શક્યો છું. આ તકે તેમણે સૌ નાગરિકોને લોકશાહી માટે મતદાન કરવા અપીલ કરી હતી.
મહત્વનું છે કે, જસદણ નગરપાલિકા વિસ્તારમાં બપોર સુધીમાં આ રીતે ૧૫થી વધુ દિવ્યાંગોએ ઘરેથી વાનમાં આવીને, વ્હીલચેર પર બૂથમાં જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું આજની ચૂંટણીમાં દિવ્યાંગો, બુઝુર્ગો, ફર્સ્ટ ટાઈમ વોટરએ પણ ઉત્સાહભેર મતદાનમાં જોડાયા હતા ખાસ કરીને યુવા યુવતીઓએ પણ મતદાનને પોતાની ફરજ સમજી મતદાન કર્યું હતું.