ચોટીલા હાઈવે પર સાંગાણી ગામના પુલ પાસે આવેલી હોટલ ના લેડીઝ ટોયલેટમાં મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. આથી હોટલ સંચાલક દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા મૃત નવજાત શિશુના વાલીની શોધ હાથ ધરવામાં આવી હતી.
ચોટીલા હાઈવે અમદાવાદ તરફ જતા સાંગાણી ગામના પુલ પાસે હરેશભાઈ રણછોડભાઈ કાળોતરા શ્રીકૃષ્ણ હોટલનું સંચાલન કરે છે. તેઓની હોટલ પર ખાનગી ટ્રાવેલ્સની બસો ચા-પાણી, નાસ્તો તેમજ જમવા માટે રોકાણ કરે છે. તેમાં સવારે 6:00 વાગ્યા પછી હોટલનો સફાઈ કામદાર ટોયલેટ સાફ કરવા જતા તેમાં લેડીઝ ટોયલેટમાં સફાઈ કરવા જતા ત્યાં નવજાત શિશુ પડેલું જોવા મળતા તેને હોટલ સંચાલક હરેશભાઈને જાણ કરતા તેઓએ ચોટીલા પોલીસ સ્ટેશન જાણ કરતા પોલીસ હોટલ પર પહોંચી નવજાત શિશુને ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડોક્ટરે શિશુને મૃત જાહેર કર્યું હતું.
તેમાં કોઈ અજાણી સ્ત્રીએ નવજાત શિશુને જન્મ આપી જન્મતી વખતે અથવા જન્મ આપ્યા બાદ મૃત્યુ પામેલ હોય તેનો હોટલના ટોયલેટમાં મૂકી જતા અજાણ્યા વાલી વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે હરેશભાઈ રણછોડભાઈ કાળોતરાએ ફરિયાદ નોંધાવી હતી.