બોટાદ જિલ્લામાં SOG પોલીસે એક બોગસ ડોક્ટરને પકડી પાડ્યો છે. પોલીસ વડા કિશોર બળોલીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ભદ્રાવડી ગામમાં રામજી મંદિર પાસે રહેતા બિપુલ સુકુમાર મજમુદાર (ઉ 36) કોઈપણ મેડિકલ ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. મૂળ કલકત્તાનો વતની આ શખ્સ સરકારી શાળા પાસે આવેલા રહેણાંક મકાનની દુકાનમાં દવાખાનું ચલાવતો હતો.
SOG PSI મયુરધ્વજસિંહ જાડેજા અને PSI એ.એમ. રાવલને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી વિવિધ દર્દોની દવાઓ મળી આવી હતી. આ દવાઓમાં ટેબલેટ, સિરપ અને ઇન્જેક્શન આપવાની સિરિંજનો સમાવેશ થાય છે. વધુમાં બી.પી. મીટર પણ મળી આવ્યું હતું. પોલીસે કુલ રૂ. 15,095નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મેડિકલ ઓફિસરની હાજરીમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ રેડમાં SOG હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ ધાધલ, ગોવિંદભાઈ ગળચર, પો.કોન્સ. કલ્પેશભાઈ સાપરા, હેડ કોન્સ. રાજેશભાઈ વિદાણી અને યુવરાજસિંહ જોડાયા હતા.