હાલમાં મુસલમાનભાઈઓનો ખુબ પવિત્ર અને પાક ગણાતો રમજાન માસ ચાલી રહ્યો છે. રમજાન માસ મુસ્લિમ મહિના પ્રમાણે ૯ મો માસ છે. રમજાન માસના ૩૦ રોજા પત્યા પછી બીજે દિવસે એટલે કે નવા ૧૦ મહિના શવ્વાલ મહિનાની પહેલી તારીખે ઈદુલ ફિત્રનો તહેવાર ખુબ જ ધામધુમથી મનાવવામાં આવે છે .
યાદ રહે ઈદ મુસ્લિમ સમાજનું નવું વરસ નથી. મુસ્લિમ સમાજનું નવું વરસ પહેલી મોહરમ છે. રમજાન ઇદ નથી.
રમજાનમાં રોજા નમાજ અને સદકો ( જકાત કે દાન) નું આગવું મહત્વ છે . આખી દુનિયામાં સમગ્ર મુસ્લિમ સમાજ આશરે ૧૩ કલાક ભુખ્યા પ્યાસા રહી ઇબાદત બંદગી કરે છે . અન્નનો એક દાણો કે પાણીનો એક ઘુંટ પણ પી શકાતો નથી. દુનિયા જે ભુખ પ્યાસથી દુર ભાગે છે એને ઇસ્લામે ઇબાદત બંદગી સાથે જોડી દીધી છે .
રોજા સાથે નમાજ અને સદકો જકાત આપવી ફરજિયાત છે. આ જકાત કોને આપી શકાય એના પણ સ્પષ્ટ નિયમો છે. ખરેખર ગરીબ હોય વંચિતો હોય. દેવામાં કોઈ ફસાયેલું હોય તો એને દેવામાંથી બહાર કાઢવા. કોઈને દવા દારૂ ઓપરેશન સ્કુલ ફી ઉચ્ચ અભ્યાસ માટે વેપાર કરવા કોઈને ઊભો કરવા મદદરૂપ થવા આપી શકાય છે અનાજ અને કપડાનું પણ દાન કરી શકાય છે
જકાત ૧૦૦ રૂપિયા પર અઢી રૂપિયા કાઢવાની હોય છે જકાત એ ઇસ્લામની ખુબ જ અગત્યની વાત છે જે તમારી બાકીની સંપતિને પવિત્ર બનાવે છે અને સમાજમાં સમાનતા લાવવામાં મદદ કરે છે
જકાત એ બાકીના લોકો સાથે લાગણી અને સહાનુભીતિ રાખવાની વાત પણ કરે છે . બાકીના લોકો તરફ આપણી નજર જાય એમને મદદ કરવા જકાત આપવી જરૂરી છે.
માણસ રાત દિવસ દુનિયાદારીમા ડુબેલો હોય છે. ડગલે ને પગલે ગુનાહ કરે છે . માણસથી આખા દિવસમાં જાણ્યે અજાણ્યે ભુલો થાય છે. આ ભુલો અને ગુનાઓથી બચવાનો એક સરળ રસ્તો જકાત આપવી છે . ગુનાઓની સજા અવશ્ય મળવાની છે પણ એ ગુનાઓ માફ સજા માફ થાય એ માટેનો સૌથી સરળ રસ્તો જકાત આપવાનો હુકમ છે . રોજા એ ગુના સામે ઢાલ છે તો જકાત તમારા ગુના સજા માફ કરવાનો રસ્તો છે .
પાણીથી આગ ઓલવાઈ જાય એમ જકાતથી ગુનાઓથી છુટકારો મળે છે. જકાત એ રોજા કરનારની ભુલો ખામી દુર કરે છે. આ ઉપરાંત ગરીબો અને મોહતાજોની હાલત સમજવાની તરફ પણ આપણું ધ્યાન દોરે છે . જે ગરીબો આર્થિક સમસ્યાઓથી તકલીફમાં છે એમની સમસ્યાઓનો ઉકેલ પણ આ જકાત છે
ગરીબો મોહતાજોને રોજો રાખનાર અલ્લાહ ના માટે પોતાના લાચાર મજબુર ભાઈઓને સહાય કરે છે.
આ જકાતથી રોજા રાખનારને પણ ખુબ જ ફાયદો થાય છે. રોજો રાખનારથી જાણ્યે અજાણ્યે રોજા દરમિયાન અમુક ફાલતુ વાતો થઈ જાય છે જેથી રોજામાં એક જાતની કમી આવી જાય છે . જકાત આ કમીને દુર કરે છે .
ભુલમાં અપશબ્દો બોલાઈ જવાથી જે ગુના થાય છે દિલમાં જે બુરાઈ પેદા થાય છે. જકાત આપવાથી રોજો રાખનાર એ બુરાઈઓથી પાક થઈ જાય છે . જકાત આપવાથી ગરીબોને રોજી મદદ મળી રહે છે
જકાત તમારી બલા મુસીબત આફત દુર કરે છે . અલ્લાહની નજીક તમને જકાત લઈ જાય છે.
જકાત સમાજમાં ઊંચનીચના ભેદભાવ દુર કરવામાં મદદ કરે છે સમાજમાં સમાનતા લાવવામાં મદદરૂપ થાય છે ગરીબી દુર કરે છે લાચાર મોહતાજોને સહાયરૂપ થવા જકાત ખુબ મહત્વનો ભાગ ભજવે છે
પાક પરવરદિગાર આપણા બધા રોજા બંદગી કબુલ કરે
આમીન..
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત.
૯૩૭૬૯ ૮૧૪૨૭