જસદણમાં ભાદર નદીના કાંઠે અજાણ્યા વ્યક્તિનો કોહવાયેલો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાએ પોલીસ તપાસ શરૂ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના સ્મશાન રોડ નજીક ભાદર નદીના કાંઠે એક અજાણ્યા વ્યક્તિનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતાં જ જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ ટી.બી. જાની ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
પોલીસ સૂત્રો અનુસાર, મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી. પ્રાથમિક તપાસમાં આ મૃત્યુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આકસ્મિક મૃત્યુની શક્યતાને પણ નકારવામાં આવી નથી. પોલીસે આ બનાવની તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોમાં પૂછપરછ હાથ ધરી છે.
મૃતદેહને જસદણ નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જસદણ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ મોકલવાની તૈયારી કરવામાં આવી હતી. ફોરેન્સિક રિપોર્ટથી મૃત્યુનું ચોક્કસ કારણ અને મૃતકની ઓળખ મેળવવામાં મદદ મળે તેવી આશા છે.
જસદણ પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને તમામ પાસાંઓની તપાસ કરવામાં આવી હતી. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચર્ચા અને ચિંતા ફેલાવી છે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ