હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકામાં વિવિધ કામોની બહાલી માટે આજે સાંજે પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીના અધ્યક્ષસ્થાને પાલિકાના મિટિંગ હોલમાં ખાસ સામાન્ય સભા મળશે જે અંગે દરેક સભ્યોને એજન્ડા પાઠવી દેવામાં આવ્યા છે.
આ ખાસ સામાન્ય સભા આવતીકાલે શનિવારે હતી પણ કોઈ કારણોસર એક દિવસ વહેલી એટલે કે આજે યોજવાનું નક્કી થયું હતું જસદણ નગરપાલિકાનો વર્તમાન ઇતિહાસ જોઈએ તો ગત ચુંટણીમાં ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા અને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડના વડપણ હેઠળ કુલ મળીને ૨૭ સભ્યોમાંથી ભાજપના ૨૨ સભ્યો ચૂંટાઈ આવ્યાં હતાં એમાંય નગરપાલિકા અપગ્રેડ થતાં સોને પે સુહાગા જેવો માહોલ વચ્ચે આજે આ બોડીની બીજી સામાન્ય સભા યોજાશે જેમાં કુલ મળીને જુદાં જુદાં ૨૭ એજન્ડાઓ જરૂરી કામોના લેવામાં આવ્યા છે ભાજપના સભ્યોની સ્પષ્ટ બહુમતી હોય ત્યારે સ્વભાવિક છે કે દરેક એજન્ડાઓને બહાલી મળી જશે.
આ ખાસ સામાન્ય સભામાં જોવાનું એ રહે છે કે કોંગ્રેસના ચાર અને એક અપક્ષ સભ્યની ભુમિકા કેવી રહે છે આજની ખાસ સામાન્ય સભામાં કન્યા પ્રાથમિક શાળા અને કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયમાં નગરપાલિકાના કુલ મળીને ૨ સભ્યોની નિમણુંક કરવામાં આવશે પ્રથમ સામાન્ય સભામાં ભાજપના બે સભ્યો અશોકભાઈ ધાધલ અને ગભરુભાઈ ધાધલ આ બન્નેને બોડીએ હોદ્દાઓ ફાળવેલ હતા પરંતુ બન્ને સભ્યોએ હોદ્દાઓનો નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો હતો અને તે સમયે ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા ખાસ મહેમાન તરીકે સામાન્ય સભામાં હતાં ત્યારે બન્ને સભ્યોએ તેમને કહ્યું હતું કે અમે મત આપનાર મતદારોને વફાદાર છીએ હોદ્દો ગૌણ બાબત છે.
ત્યારે આજે આ બન્ને હોદ્દાઓ ક્યાં સભ્યોને આપવામાં આવશે તે તરફ પણ સભ્યોની મીટ મંડાયેલી છે અનેક ગેરરીતિઓ વચ્ચે પણ લાખો રૂપિયાના બિલો કોન્ટ્રાક્ટરોને ચુકવી આપનારી જસદણ નગરપાલિકાની આ ખાસ સામાન્ય સભા પુર્ણ થાય ત્યાં સુધીમાં કેવો રંગ લાવે છે તે અંગે અનેકવિધ ચર્ચા થઈ રહી છે દરમિયાન જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે આજની ખાસ સામાન્ય સભામાં નિયમોનુસાર દરેક એજન્ડાઓ લેવામાં આવ્યાં છે જે સીધા પ્રજાને સ્પર્શે છે આ ઉપરાંત વિકાસના કામોને પણ મહત્વ અપાયું હોવાથી નાગરિકોને પણ રાહત પહોંચશે.