બ્લડ કેન્સર સામે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની સમયસર અને વિનામૂલ્યે સારવારથી મળ્યું નવજીવન
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગુજરાત સરકારનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વધુ એક બાળક માટે દેવદૂત સમાન બન્યો છે. રાજકોટ જિલ્લાના જસદણની દેવાંગી જન્મથી જ વારંવાર બીમાર પડતી હતી. તે એક વર્ષની થઇ ત્યારથી તેને નિયમિત લોહી ચડાવવું પડતું હતું. આ બાળકીને ધ ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (G.C.R.I.), અમદાવાદમાં આર.બી.એસ.કે. અંતર્ગત બ્લડ કેન્સર સામે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની સમયસર અને વિનામૂલ્યે સઘન સારવાર આપવામાં આવતા તેને નવજીવન મળ્યું હતું.
ત્રણ વર્ષની દેવાંગીની વિગતે વાત કરીએ તો તે ખેતીકામ કરતા રોહિતભાઇ બરવાળીયાના મધ્યમવર્ગીય પરિવારમાં તા. ૨૯ જુલાઈ, ૨૦૨૧ના રોજ જન્મેલી. તા. ૨૭ નવેમ્બર, ૨૦૨૩ના રોજ જસદણ તાલુકાના વિરનગર હેલ્થ સબ સેન્ટરમાં મમતા દિવસે દેવાંગીના પરિજનો તેને લઈને આવ્યા. પરિજનોએ જણાવ્યું કે દેવાંગીને વારંવાર લોહી ચડાવવું પડે છે. હેલ્થ વર્કરે તેને માઇક્રોસાયટીક હાયપોક્રોમિક એનિમિયા હોવાની સંભાવના જણાવી. આ બાબતની જાણ આરોગ્યકર્મીએ આર.બી.એસ.કે. ટીમ, જસદણને કરી.
આર.બી.એસ.કે. ટીમના ડો. કિરણ કુનવારિયા અને ડો. સમર્થ રામાનુજે દેવાંગીની ગૃહ મુલાકાત કરી અને તેને બ્લડ કેન્સર હોવાની શક્યતા દર્શાવી. અને ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (D.E.I.C.), સિવિલ હોસ્પિટલ, રાજકોટ ખાતે સઘન ચકાસણી કરવા જણાવ્યું, જ્યાં દેવાંગીને બ્લડ કેન્સર હોવાનું નિદાન થયું. ટીમે વધુ નિદાન અને સારવાર માટે ધ ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદ ખાતે રીફર કરવાનું જણાવ્યું. કેન્સરનું નામ સંભળતા વાલીના માથે જાણે આભ તૂટી પડ્યું. વધુમાં, તેઓ આશરે રૂ. ૩૦ લાખથી ૩૫ લાખના ખર્ચ બાબતે પણ ચિંતિત થઇ ગયા. ત્યારે આર.બી.એસ.કે. અને સિવિલ હોસ્પિટલની ટીમે 'શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ' અંગે તેમને જાણકારી આપી. સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે, તે જાણ્યા બાદ દેવાંગીના માતા-પિતાને હાશકારો થયો અને સારવાર કરાવવા સંમત થયા. તેમજ સંદર્ભ કાર્ડ ભરીને દેવાંગીને ધ ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદ ખાતે રીફર કરવામાં આવી.
તા. ૧૫ મે, ૨૦૨૪ના ધ ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદમાં દેવાંગીની સારવાર શરૂ કરવામાં આવી. જ્યાં દેવાંગીનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. ત્યારબાદ દેવાંગીની ફોલોઅપ તપાસ પણ કરવામાં આવી છે. સારવારને એક વર્ષ થયું. હાલ દેવાંગી એકદમ સ્વસ્થ છે. જે બદલ તેના પરિજનોએ આર.બી.એસ.કે. - જસદણ, સિવિલ હોસ્પિટલ - રાજકોટ અને ધ ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ - અમદાવાદ તથા ગુજરાત સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર. આર. ફુલમાલીના માર્ગદર્શન હેઠળ આર.બી.એસ.કે. ટીમ વધુ ને વધુ બાળકો તંદુરસ્ત રહે અને સરકારી યોજનાનો લાભ પ્રાપ્ત કરે, તે હેતુસર સરાહનીય કામગીરી કરી રહી છે.