અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના ટીડીઓની બદલી, ‘ભ્રષ્ટાચારની કચેરી’ શરૂ કરનાર બન્ને ઈજનેરને હેડક્વાર્ટર બેસાડી દેવાયા; 3 અધિકારીની ટીમ કરશે તપાસ

રાજકોટના ડીડીઓએ ત્વરિત કાર્યવાહી કરી તપાસના આદેશ આપતા ડેપ્યુટી ડીડીઓની પ્રાથમિક તપાસમાં સજ્જડ પુરાવા મળ્યા

  • જસદણ ઉપરાંત વીંછિયા તાલુકા પંચાયતની બાંધકામ શાખાની ફાઈલો પણ મળી
  • 10 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે લેવાશે આકરાં પગલાં
  • જસદણમાં ઠાકરશી કોબિયા અને નિરવ મકવાણા ભાડાનું મકાન રાખી ‘વહીવટ’ કરતા હતા.જસદણ તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખાના બે અધિકારી સમાંતર કચેરી ચલાવતા હોવાનો ‘દિવ્ય ભાસ્કરે’ સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ કર્યા બાદ રાજકોટના ડીડીઓ દેવ ચૌધરીએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી તપાસના આદેશ આપ્યા હતા તેના અનુસંધાને ડેપ્યુટી ડીડીઓએ જસદણ જઈ સજ્જડ પુરાવા એકત્રિત કર્યા છે. બીજીબાજુ જસદણના ટીડીઓની તાકીદની અસરથી તાલાલા બદલી કરી દેવામાં આવી છે. જ્યારે જે બે અધિકારી ભ્રષ્ટાચારની કચેરી ચલાવતા હતા તે બન્નેને રાજકોટ હેડક્વાર્ટર ખાતે બેસાડી દઈ જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કોઈપણ કાર્યવાહી ન કરવા આદેશ કરી દેવાયો છે.


ત્રણ અધિકારીની ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ 10 દિવસ સુધી સમગ્ર મામલે તપાસ કરશે ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી ચૌધરીને રિપોર્ટ આપશે. ‘દિવ્ય ભાસ્કર’ના સ્ટિંગ ઓપરેશન બાદ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, મંગળવારે સવારે જ ડેપ્યુટી ડીડીઓ બ્રિજેશ કાલરિયાને જસદણ દોડાવાયા હતા. તેઓએ કરેલી પ્રાથમિક તપાસમાં સજ્જડ પુરાવા મળ્યા છે. આ ઘટના અંગે ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરવામાં આવતા જસદણના ટીડીઓ કૌશિકકુમાર પરમારની તાલાલા બદલી કરી દેવામાં આવી છે.


આ ઉપરાંત જે બે અધિક મદદનીશ ઈજનેર ઠાકરશી કોબિયા અને નિરવ મકવાણા પોતાની રીતે ભાડાનું મકાન રાખીને સરકારી કચેરીના બદલે અન્ય સ્થળે સરકારી ફાઈલો લઈ જઈને વહીવટ કરતા હતા તે બન્નેને રાજકોટ હેડક્વાર્ટર ખાતે પરત બોલાવી લેવામાં આવ્યા છે અને બન્નેને આદેશ કરી દેવાયો છે કે, જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બન્નેએ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાની રહેતી નથી.


ડીડીઓ દેવ ચૌધરીએ એમ પણ કહ્યું હતું કે, જસદણ ઉપરાંત વીંછિયા તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખાની પણ કેટલીક ફાઈલો મળી આવી છે. આ ફાઈલો અહીંયા કેવી રીતે પહોંચી તે અંગે પણ તપાસ કરવામાં આવશે. સમગ્ર કૌભાંડ મામલે ડેપ્યુટી ઈજનેર નિરવ પટેલ અને બે આસિસ્ટન્ટ એન્જિનિયરની તપાસ માટે નિમણૂક કરવામાં આવી છે. આ ત્રણેય અધિકારી 10 દિવસ સુધી તપાસ કર્યા બાદ રિપોર્ટ આપશે. આ રિપોર્ટના આધારે જવાબદારો સામે આકરી કાર્યવાહી કરાશે.


કોન્ટ્રાક્ટરની ભૂંડી ભૂમિકા


1.બાંધકામ શાખાના બે ટેકનિકલ આસિસ્ટન્ટએ રાતોરાત ભ્રષ્ટાચારની કચેરીમાં રહેલી તમામ ફાઈલો એસ.ઓ. નીરવ મકવાણાની કારમાં નાખી તાલુકા પંચાયત કચેરી સુધી પહોંચાડી હતી, જેમાં કોન્ટ્રાક્ટર અરવિંદ નાગડકીયાની મુખ્ય ભૂમિકા રહી હતી.


2.અરવિંદ નાગડકિયા નામના કોન્ટ્રાક્ટરે એસ.ઓ. ઠાકરશી કોબિયાને મકાન ભાડે અપાવી બધા ભેગા મળી ચાર વર્ષથી ભ્રષ્ટાચાર આચરતા હતા.


3.રહેણાંકમાંથી વીંછિયા તાલુકા પંચાયતની દસ્તાવેજી ફાઇલ મળી આવી, તાલુકા પંચાયતમાં સીસીટીવી કેમેરા જ નથી, જસદણ ટીડીઓની તાબડતોબ તાલાલા બદલી કરી દેવાઇ

દિલીપ તલસાણિયા

દિવ્યેશ ડાંગર


સાહિત્ય ફેરવવામાં હું અને દિવ્યેશભાઈ ડાંગર સાથે હતા

દિલિપ તલસાણિયાએ કહ્યું હતું કે, હું વાજસુરપરાના મકાનમાં રહેલું તમામ સાહિત્ય તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખા સુધી લાવ્યો હતો. મેં તમામ સાહિત્ય રૂમેથી ભરી અમારા અધિક મદદનીશ ઈજનેર નીરવ મકવાણાની ગાડીમાં અહીં સુધી લાવ્યો હતો. આ સાહિત્ય ફેરવવામાં હું અને ટેકનીકલ આસિસ્ટન્ટ દિવ્યેશભાઈ ડાંગર બન્ને સાથે હતા. ટેક્નિકલ આસિસ્ટન્ટ દિવ્યેશ ડાંગરે ભાસ્કર સમક્ષ કબુલ્યું હતું કે, અમારે અહિયાં તે સાહિત્યની જરૂર હતી એટલે અમે અહિયાં લાવ્યા હતા તેટલું જણાવી અન્ય સવાલોના જવાબો આપવાના બદલે એકદમ મૌન સેવી લીધું હતું.


રાજકોટ ACBની ટીમ પણ જસદણ દોડી ગઈ: નિવેદન લેવાયા

જસદણમાં છેલ્લા છ વર્ષથી શરૂ થયેલી ભ્રષ્ટાચારની કચેરી અંગેના ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલ બાદ રાજકોટ લાંચ રુશ્વત વિરોધી શાખાના પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર. સોલંકી પણ જસદણ તાલુકા પંચાયત કચેરી ખાતે દોડી ગયા હતા અને કેટલાક લોકોના નિવેદન લીધા હતા. તેઓએ જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ પાસેથી લાંચ માગવામાં આવી હોય અને તેના કોઈ આધાર પુરાવા હોય તો જાણ કરે. વ્યક્તિનું નામ ગુપ્ત રખાશે.


વીંછિયાની ફાઇલો જોઇ ટીડીઓને પરસેવો વળી ગયો

વીંછિયા તાલુકા પંચાયત કચેરીની માપણી બુક સહિતની ફાઈલો અને કોમ્પ્યુટર સીસ્ટમ ત્યાં પડેલી હતી અને એ નજરે પડતાં ટીડીઓને પણ પરસેવો વળી ગયો હતો. ગોડલાધાર ગામનો રમેશ સાંકળીયા નામનો વચેટીયો જ વીંછિયા તાલુકા પંચાયતની ફાઈલો ભ્રષ્ટાચારની કચેરીએ લાવતો હોવાનું સામે આવ્યું હતું. કોન્ટ્રાક્ટર અરવિંદ નાગડકિયા સહિત બન્ને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

વધુ નવું વધુ જૂનું