વિરમગામમાં સાથ મંડળીની મહિલા કર્મીને આંતરી ધોળા દિવસે 1.50 લાખની લૂંટ
- હાથી તલાવડી વિસ્તારમાંથી મહિલા 1.50 લાખ જેટલું કલેક્શન કરી કોલેજ ગ્રાઉન્ડમાં થઇ જઈ રહી હતી
- બે બાઇકસવાર લૂંટારુએ નિશાન બનાવી મહિલા સાથે ઝપાઝપી કરી થેલો લૂંટી ફરાર થઈ ગયા
વિરમગામ શહેરના અક્ષરનગર વિસ્તારમાં આવેલી સાથ મહિલા મંડળની કલેક્શન કર્મચારી અંકીતાબેન જયંતિભાઈ પટેલ મહિલા બચત ધિરાણ મંડળીના કલેક્શન કરેલા રૂપિયા આશરે દોઢ લાખ ભરેલ થેલો લઇ જતા હતા તે સમયે બે અજાણ્યા બાઇકસવાર ઈસમોએ મહિલા કર્મી પાસે આવી ઝપાઝપી કરી મહિલા કર્મી પાસે રહેલી મહિલા બચત ધિરાણ મંડળીના કલેક્શન કરેલા રૂપિયા આશરે દોઢ લાખ ભરેલ થેલો ઝુંટવી થેલાની લુંટ કરી ફરાર થયા હતા. આ બનાવ અંગે વિરમગામ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વિરમગામ ટાઉન પોલીસે લુંટારુ બાઈકસવાર ઈસમોને પકડવા તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે
મહિલાએ આપેલી ફરિયાદ અનુસાર વિરમગામ અક્ષર નગર રોડ પર આવેલી સાથ મહિલા બચત ધિરાણ મંડળી છેલ્લા છ વર્ષથી ફિલ્ડ વર્કર તરીકે નોકરી કરે છે અને કેળાં મંડળીમાં વિરમગામ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં મંડળીના ધિરાણ કરેલા પૈસાનું માસિક કલેક્શન કરે છે. તારીખ 11 જુલાઇના રોજ 10:00 વિરમગામ આખી તલાવડી વિસ્તારમાં મંડળીના ધિરાણ કરેલા ગ્રાહકો પાસેથી પૈસાનું કલેક્શન કરવા ગઈ હતી અને 12:45 કલાક સુધીમાં હાથી તલાવડી વિસ્તારમાં 45 ગ્રાહકો પાસેથી માસિક હપ્તાના 1.50 લાખ જેટલા રૂપિયાનું કલેક્શન કર્યું અને હાથી તલાવડીથી કોલેજના ગ્રાઉન્ડમાં થઈ અક્ષરનગર રોડ તરફ જતા કોલેજના ગ્રાઉન્ડમાં ઉભેલા બાઈક સવારે પાછળની તરફથી આવી થેલો ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો.
મહિલાએ થેલો પકડી રાખતા બાઈકમાં સવાર બંને વ્યક્તિ નીચે ઉતરી મહિલા સાથે ઝપાઝપી કરી મહિલાને નીચે પાડી દઈ થેલો ઝુંટવી ફરાર થઈ ગયા હતા ત્યારે મહિલાએ બૂમાબૂમ કરતા અને મહિલા ઘાયલ થયેલા હોય અન્ય લોકો દ્વારા લૂંટારૂ બાઈક સવારોની શોધ કરી હતી. પરંતુ તેઓના કોઈ સગડ મળ્યા ન હતા. મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા આવી હતી.
ઉલ્લેખનીય છે કે લૂંટનો ભોગ બનેલી ફરિયાદી મહિલાએ જણાવ્યાનુસાર હાથી તલાવડી વિસ્તારમાં દર માસની 11 તારીખે ગ્રાહકો પાસેથી હપ્તાની રકમ કલેક્શન કરવા ઘણા વર્ષોથી આવતી હતી ત્યારે મહિલાને લૂંટવાનો પ્લાન અગાઉથી બનાવેલો હોય તેવું જણાઈ આવે છે જે બાબતે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. લૂંટ કેસમાં આરોપી જાણભેદૂ હોવાની શંકા છે.