ફ્લેટના પાર્કિંગમાંથી રૂ.26 હજારની દારૂની બોટલ, કાર સાથે 1 ઝડપાયો
- દારૂનો માલ આપનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો
બાવળાના સ્વામીનારાયણ-1 રેસિડેન્સી ફ્લેટના પાર્કિંગમાં મૂકેલી ગાડીમાં રૂ. 26,000નો 52 બોટલ દારૂ ભરીને ઊભેલા બુટલેગરને પકડી પાડ્યો હતો. પોલીસે માલ આપનારા બુટલેગરને વોન્ટેડ જાહેર કરીને બંને વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બાવળા શહેર અને તાલુકામાં વિદેશી અને દેશીદારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે બાવળા પોલીસ નજીકમાં આવી રહેલા શ્રાવણ માસ, સાતમ - આઠમ તહેવાર નિમિતે બાવળાનાં સોસાયટી વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી, ત્યારે સંપ્પન રેસીડેન્સી ચોકડી પાસે આવતાં બાતમી મળી હતી કે બાવળા સ્વામીનારાયણ -1 રેસીડેન્સી બ્લોક - જી , રૂમ નંબર - 2 આગળ પાર્કીંગમાં 1 ગાડી માં અજીત ચીમનભાઇ ચૌહાણ (દરજી), (મુળ રહેવાસી,નાની વાવડી, તા.રાણપુર,જી.બોટાદ ) પર પ્રાંતનો ભારતીય બનાવટનો દારૂ ગાડીમાં સંતાડી રાખી ગાડી પાર્કિંગમાં પાર્ક કરીને ઉભો છે.
જે બાતમીના આધારે બાવળા પી.આઇ આર.ડી.સગર, કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ, જયવંતભાઇ, અશોકસિંહ સ્ટાફ સાથે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતા પાર્કીંગમાં પડેલી બાતમી મુજબની ગાડી ખોલીને તપાસ કરતાં ગાડીની પાછળની સીટમાંથી 2 મોટા થેલામાંથી ભારતીય બનાવટની દારૂની 52 બોટલો મળી આવી હતી.પોલીસે 26,000 રૂપીયાનો દારૂ, 2,00,000 રૂપીયાની ગાડી મળી કુલ 2,26,000 રૂપીયાનો મુદામાલ કબ્જે કરીને બુટલેગર અજીત ચૌહાણને પકડી લીધો હતો. દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો હતો. તેની કડક પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો ખીમાભાઇ કોળી પટેલ, રહેવાસી, ઓવનગઢ સુદામડા, તા.સાયલા જી.સુરેન્દ્રનગર પાસેથી લાવ્યો હોવાનુ જણાવતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને બંને વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.