છેલ્લા 21 વર્ષથી ગોંડલના લોકમેળામાં આઈસ્ક્રીમના સ્ટોર દ્વારા થતી આવક સ્મશાનના વિકાસ કાર્યમાં ઉપયોગ કરાય છે
ગોંડલમાં સેવાનો પર્યાય બનેલ મુક્તેશ્વર સેવા ટ્રસ્ટમાં પ્રમુખ ઉપપ્રમુખ કે અન્ય કોઈ હોદાઓ રાખવામાં આવ્યા જ નથી. અહીંનો નાનો કે મોટો દરેક કાર્યકર પ્રમુખ જ માનવામાં આવી રહ્યો છે. આ ગ્રુપ છેલ્લા 21 વર્ષથી શહેરમાં યોજાતા લોકમેળામાં આઈસ્ક્રીમનો સ્ટોલ કરી તેમાં થતી આવક સ્મશાનના કામકાજમાં ઉપયોગ કરવામાં આવી રહી છે.
જન્માષ્ટમીની રજામાં દરેક માણસ નિરાંતે મજા માણવાનું પસંદ કરતા હોય છે પરંતુ ગોંડલના મુક્તેશ્વર સેવા ટ્રસ્ટના સદસ્યો રજાનો સદુપયોગ કરી આઈસ્ક્રીમના સ્ટોલમાં સેવા આપતા નજરે જોવા મળે છે. લોકમેળામાં છેલ્લા 21 વર્ષથી શ્રી મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા આઈસ્ક્રીમનો સ્ટોલ કરવામાં આવે છે. તેની તમામ આવક સ્મશાનમાં વાપરવામાં આવે છે. મુક્તેશ્વર સેવા ટ્રસ્ટની વર્ષ 2001માં શરૂઆત કરવામાં આવી હતી અને સાથે 21 વર્ષથી આ આઈસ્ક્રીમનો સ્ટોલ કરવામાં આવી રહ્યો છે, આ આઈસ્ક્રીમમાં યુવાનો વડીલોની સાથો સાથ બાળકો પણ જોડાયા છે.
કોરોનાના સમયે લોકોની વ્હારે આવ્યું હતું ટ્રસ્ટ
મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ શાંતિરથ, એમ્બ્યુલન્સ, મેડિકલ સાધનો સેવામાં આપવામાં આવે છે. કોરોનાના સમયે તાત્કાલિક 1500 જેટલા ઓક્સિજન નવા બાટલાની ખરીદી કરીને તમામ લોકોને આપવામાં આવ્યા હતા. મુક્તેશ્વર સેવા ટ્રસ્ટના સ્મશાનમાં 2 ગેસ ભઠ્ઠી છે, અને 2 ગેસ ભઠ્ઠી નવી બનવવામાં આવે છે. ભવ્ય બગીચો, મુક્તેશ્વર મહાદેવનું મંદિર, પ્રાર્થના હોલ, સર્વે માતાજીના મંદિરો, તાજેતરમાં જ ગોંડલી નદી ના કિનારે કર્મકાંડ માટે 4 યજ્ઞશાળા બનાવવામાં આવી છે.