અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી ઊંચા 22 માળના બિલ્ડિંગમાં 250 ફૂટ લાંબો, 24 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો, 1 કિમી દૂરથી પણ દેખાય છે : Rajkot News

 રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી ઊંચા 22 માળના બિલ્ડિંગમાં 250 ફૂટ લાંબો, 24 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો, 1 કિમી દૂરથી પણ દેખાય છે


આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 13થી 15 ઓગસ્ટ સુધી ‘હર ઘર તિરંગા અભિયાન’નું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ આજથી રાજકોટ શહેરના ઘર તેમજ ઓફિસ ઉપર તિરંગો લહેરાય રહ્યો છે. જોકે સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો 250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો સૌરાષ્ટ્રની સૌથી ઊંચી 22 માળની રાજકોટની સિલ્વર હાઈટ્સ બિલ્ડીંગમાં લહેરાવવામાં આવ્યો છે. આ રાષ્ટ્રધ્વજ એક કિમી દૂરથી પણ દેખાય છે.રાજકોટવાસીઓમાં તિરંગાએ આકર્ષણ જમાવ્યું

‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે રંગીલા રાજકોટના રહેવાસીઓ પણ પોતાના ઘર ઓફિસ કે સોસાયટી બહાર તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલી 22 માળની સિલ્વર હાઈટ્સ સોસાયટી કે જે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી બિલ્ડીંગ ધરાવે છે. તેમજ રાજકોટના પોશ વિસ્તારમાં તેનો સમાવેશ થાય છે. આ સોસાયટીના લોકો પણ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાયા છે અને સૌથી મોટો તિરંગો લહેરાવ્યો છે. આ તિરંગાએ રાજકોટવાસીઓમાં આકર્ષણ જમાવ્યું છે.


15 ઓગસ્ટ સુધી આ તિરંગો બિલ્ડીંગમાં લહેરાશે

રાજકોટના નાનામવા રોડ પર આવેલ સિલ્વર હાઈટ્સ સોસાયટીના મુકેશભાઇ શેઠે જણાવ્યું હતું કે, અમારી સોસાયટીના એસોસિએશને સાથે મળી નક્કી કર્યું હતું કે આપણે પણ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાશું. માટે અમે રાજકોટ ખાતે જ એક 250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો તૈયાર કરી બિલ્ડીંગ ઉપર લગાવ્યો છે. રાત્રિ દરમિયાન પણ દૂરથી લોકો નિહાળી શકે તે માટે લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે. 150 ફૂટ રિંગ રોડ પરથી એક કિલોમીટર દૂરથી પણ આ તિરંગાને લોકો નિહાળી શકે અને રાષ્ટ્રભાવના કેળવાય તે માટે અંદાજિત એક લાખના ખર્ચે આ તિરંગો તૈયાર કરી 15 ઓગસ્ટ સુધી તિરંગો લહેરાવવામાં આવશે.


દરેક લોકો ઘર પર તિરંગો લહેરાવે તેવી વિનંતી

મુકેશ શેઠે વધુમાં જણાવ્યું હતું કે, અંદાજે 1 લાખના ખર્ચે આ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં જ આ તિરંગો બનાવવામાં આવ્યો છે અને એની પાછળ પાંચ દિવસનો સમય લાગ્યો છે. આ ઉપરાંત અમે કાળજી લીધી છે કે, પવનમાં કે બીજી કોઈ રીતે તિરંગાને નુકસાન ન પહોંચે છે. આ તિરંગો 15 ઓગસ્ટ સુધી રાખવાના છીએ અને 16મી ઓગસ્ટે તેને ફોલ્ડ કરી મૂકી દેશું. મારી સૌને નમ્ર વિનંતી છે કે, આપણા રાષ્ટ્ર પ્રત્યે જાગૃતિ આવે. આપણા રાષ્ટ્રધ્વજનું બધામાં માન વધે તે માટે 13થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરે લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવે તેવી મારી ઇચ્છા અને વિનંતી છે.


રાજકોટના લોકો દેશભક્તિના રંગે રંગાયા

ભારત સરકાર દ્વારા તારીખ 13થી 15 ઓગસ્ટ દરમિયાન આયોજિત ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશવાસીઓ જોડાય રહ્યા છે અને પોતાના ઘર ઉપર તિરંગો ફરકાવી રહ્યા છે. દરેક ઘર પર તિરંગો લહેરાતા સાથે રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો છે અને લોકો પણ દેશભક્તિના રંગમાં રંગાય ગયા હોય તેવું લાગી રહ્યું છે.

વધુ નવું વધુ જૂનું