ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના વિંછીયા શહેર ખાતે પોસ્ટ ઓફિસની બાજુમાં રાજપરા કુટુંબના રાજબાઈ માતાજીનો મોટો મઢ આવેલો છે અને મઢના પઢિયાર ગોરધનભાઈ લખમણભાઈ રાજપરા હોય જે દરરોજ માતાજીના ધૂપ-દીવા કરતા હતા. તેઓ રાબેતા મુજબના સમય પ્રમાણે સવારે ગોરધનભાઈ રાજપરા મંદિરમાં માતાજીને ધૂપ-દીવા કરવા ગયેલા અને ત્યાં જઈને જોયું તો માતાજીના પાલકમાં ચાંદીના છત્તર જેનો વજન 500 ગ્રામ અને જેની કિંમત રૂપિયા રૂ.25 હજાર હતી. આમ ત્યાં ચાંદીના છત્તર જોવા ન મળતા ચોરી થઈ હોવાનું જાણવા મળેલ અને આ મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તા.૩૦-1-2024 ના સવારે 11-07 મિનિટની આસપાસ એક પુરુષ અને એક સ્ત્રી માતાજીના મઢમાં આવી પાલકમાં ચઢાવેલ માતાજીના છત્તર લઈને પોતાની પાસે રહેલ થેલીમાં રાખી નીકળી જાય છે.
જેથી પઢીયાર ગોરધનભાઈ લખમણભાઈ રાજપરા દ્વારા વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે ચોરી અંગેની ફરિયાદ લખાવેલ અને વિંછીયા પોલીસ સ્ટેશનના અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા સઘન-સઘળી અને તટસ્થ તપાસ કરી ચોટીલા તાલુકાના ગુંદા ગામના પુના લાખાભાઈ રાઠોડ અને ચોટીલા તાલુકાના કાબરણ ગામના ગીતાબેન કરસનભાઈ વાઘેલાની અટક કરી કાયદાકીય કાનૂની કાર્યવાહી કરેલ હતી અને તે માલ રાજકોટના ગિરધરભાઈ ગાંડુભાઈ માયાણીને વેચવામાં આવેલ હતો તે માલ પણ મુદ્દામાલ તરીકે પોલીસે કબજે કરેલ હતો. આમ બન્ને આરોપીઓ અને માલ લેનાર અંગેની ફરિયાદ અને ચાર્જશીટ નામદાર કે.એન.જોષીની કોર્ટમાં રજૂ થયેલ. જેથી વિંછીયાના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ અને એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કે.એન.જોશીની કોર્ટમાં કેસ ચાલી જતા બચાવો પક્ષના વકીલ દ્વારા બચાવો અંગેની દલીલો કરેલ અને સરકારી વકીલ શ્રીમતી કે.એમ.ચૌધરી દ્વારા નામદાર અદાલત સમક્ષ બન્ને આરોપીઓ દ્વારા જ ચોરી કર્યા અંગેની ધારદાર અને જોરદાર દલીલો કરેલ. નામદાર કોર્ટ સમક્ષ એવી પણ દલીલ કરવામાં આવેલ કે મંદિરએ લોકોનું આસ્થાનું કેન્દ્ર છે અને લોકોની શ્રદ્ધા અને લાગણીઓ જોડાયેલ હોય છે અને આ લોકો દ્વારા જ ચોરી કરવામાં આવેલ. જે સીસીટીવી કેમેરામાં કેદ પણ થયેલ છે અને તે ખૂબ જ મોટો પુરાવો છે. જેથી બન્ને આરોપીઓને સખતમાં સખત કેદની સજા થવી જોઈએ જેથી બીજા લોકો પણ આવી હરકતો કરતા અટકી જાય.
આમ વિંછીયા નામદાર કોર્ટ દ્વારા બચાવ પક્ષના વકીલની અને સરકારી વકિલ શ્રીમતી કે.એમ.ચૌધરીની દલીલો સાંભળી અને ફરિયાદી,પંચો, સાહેદો અને તપાસ કરનાર અધિકારી તથા પુરાવાઓને ધ્યાને લઈ વિંછીયાના નામદાર પ્રિન્સિપાલ અને એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટર ફર્સ્ટ ક્લાસ કે.એન.જોશી દ્વારા ત્રણ આરોપીઓને સી.આર.પી.સી. કોડની કલમ 248(2) અન્વયે આઈ.પી.સી. કોડની કલમ 380,454,411 અને 114 મુજબ ગુનામાં આરોપી રાજકોટના ગિરધરભાઈ ગાંડુભાઈ માયાણીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ અને આરોપી પુના લાખાભાઈ રાઠોડ અને આરોપી ગીતાબેન કરસનભાઈ વાઘેલાને 6 માસની સાદી કેદની સજા અને પ્રત્યેક આરોપીને રૂ.2000 નો દંડ કરવામાં આવેલ અને આરોપીઓ દંડની રકમ ન ભરે તો વધુ દિન-30 ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ અદાલતમાં સંભળાવવામાં આવેલ.