ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના ગોરૈયા ગામ ખાતે રૂ.27.28 લાખના ખર્ચે નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ તકે મંત્રી બાવળીયાએ જણાવ્યું હતું કે, તાલુકાના છેવાડાના ગામ ગોરૈયામાં આરોગ્ય કેન્દ્ર ટુંક સમયમાં બની જશે. આથી, ગામલોકોને ઘર આંગણે પ્રાથમિક સારવાર મળતાં દૂર સુધી જવું નહીં પડે. ''સૌનો સાથ, સૌનો વિકાસ'' સૂત્ર સાકાર થવા જઈ રહ્યું છે, જે ખુશીની વાત છે.
વધુમાં ઉમેર્યું હતું કે આ પ્રસંગે વિચરતી-વિમુક્ત જાતિને પ્લોટની ફાળવણી થતાં ઘરના ઘરનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. સરકાર મકાનના બાંધકામ માટે પણ સહાય આપે છે. આ તકે મહાનુભવોના હસ્તે વિચરતી-વિમુક્ત જાતિના 6 પરિવારોને રહેણાંક હેતુસર વિનામૂલ્યે 100 ચો. વાર પ્લોટની ફાળવણી કરીને સનદ વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઈઝર નટુભાઈ ગામેતાએ કર્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાજાભાઈ ખાંભલાએ સ્વાગત પ્રવચન અને અગ્રણીઓ અશ્વિનભાઈ સાંકળિયા અને નાથાભાઈ વાછાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ડો. સેતુભાઈ ઝાલાવાડિયાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં નાયબ મામલતદાર ડી.જે.આચાર્ય, એક્ઝીક્યુટીવ એન્જીનીયર શિશાંગભાઈ દવે સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલ વિભાગમાં લેબર રૂમ, વેઇટિંગ એરિયા, એકઝામિન રૂમ તેમજ રહેઠાણ વિભાગમાં લિવિંગ-બેડ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાશે. જેમાં લોકોને હેલ્થ એન્ડ વેલનેસ ક્લિનિક, મમતા ક્લિનિક, લેબોરેટરી ટેસ્ટ સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, તાવ, ઝાડા, ઉલ્ટી જેવા સામાન્ય રોગોની પ્રાથમિક સારવાર મળી રહેશે.કેસ ગંભીર જણાશે તો જ રીફર કરવામાં આવશે બાકી સામાન્ય બીમારીઓ માટે દર્દીઓએ સાજા થવા દુર સુધી ધક્કા ખાવા નહીં પડે.