બોટાદ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેર તેમજ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેરની સીધી દેખરેખ હેઠળ બોટાદ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ઈજનેરોની અલગ અલગ ટીમો દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં ઘર વપરાશના કુલ 1382 ચેક કરાયાં હતાં, 309 વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર બોટાદ પી.જી.વી.સી.એલ વર્તુળ કચેરી હેઠળ તા.18-11-24 થી તા. 22-11-24 સુધી રોજ જુદી જુદી ટીમો દ્વારા ડ્રાઈવ યોજી બરવાળા, રાણપુર, પાળીયાદ, ગઢડા, પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગામોમાં પોલીસ અને એસ.આર.પી. સાથે રાખીને ઘર વપરાશના કુલ 1382 વીજ જોડાણો ચેક કરાયા હતા. જેમાં 309 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા કુલ રૂ. 88 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે વાણિજ્ય હેતુના તેમજ ઔદ્યોગિક હેતુના કુલ 10 વીજ જોડાણો ચેક કરાયા હતા, જેમાં 1 વીજ જોડાણમાં ગેરરીતિ માલુમ પડતા કુલ રૂ. 5 લાખનો દંડ ફટકારાયો હતો.
આમ, વીજ ચેકિંગ ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 1392 જેટલા વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી, કુલ 310 જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂ.80.50 લાખની વીજચોરીનાં દંડ ફટકાર્યો હતો. આ રીતે વીજ કંપની દ્વારા આકસ્મિક તપાસ કરાતા વીજ ચોરી કરનારા લોકોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે.તંત્ર દ્વારા અનેક વાર સુચનાઓ તેમજ નોટિસ આપવામાં આવતી હોવા છતાં આ વિસ્તારમાં અમુક લોકો આ રીતે વીજચોરી કરતા હોવાથી આવી તપાસ થઈ હતી
ચોરી રોકવા તંત્રએ કડક પગલાં ભર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે આ વવિસ્તારમાં છેલ્લાં કેટલાંક સમયથી વીજ ચોરીના બનાવોમાં બહાર આવી રહ્યા હોવાથી અને વાંરવાર સુચનાઓ આપવા છતાં કેટલાંક લોકો વીજળીની ચોરી કરી રહ્યા હોવાથી પીજીવીસીએલ દ્વારા આવી ચોરીઓ અટકાવવા આકસ્મિક રેડ સહિતની દંડનીય કાર્યવાહી જેવા કડક પગલાં લેવાનુ શરૂ કરતા વીજચોરોમાં ભારે ફફડાટ ફેલાયો છે.