બોટાદમાં શહેરી વિસ્તારમાંથી એક પીડિત મહિલા દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું કે તેને પતિ અને સાસુના ત્રાસથી તે આત્મહત્યા કરવા જઈ રહી છે.
માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ ગીતાબેન પટેલ તેમજ પાયલોટ હરેશભાઈ ઘટના સ્થળે મહિલાની મદદ માટે તુરંત રવાના થયા હતા, અને રસ્તામાં 181 ટીમ દ્વારા મહિલા સાથે સતત ફોનમાં વાતચીત શરૂ રાખી હતી.
ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચી મહિલાને રૂબરૂ 181ની ટીમ મળીને વાતચીત કરતા કાઉન્સેલિંગ દરમિયાન મહિલા ભાવુક થયા હતા.
181 ટીમ દ્વારા શાંતિપૂર્વક વાતચીત કરી આશ્વાસન આપી વિશ્વાસમાં લઈ આપઘાતના પ્રયાસ અંગે પૂછતા પીડિત મહિલાએ પોતાની આપવીતી જણાવી હતી.
સાસરિયામાંથી પતિ અને સાસુ વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાથી મહિલા ઘણાં સમયથી પરેશાન હતી. મહિલાને પરિવાર તરફથી સાથ-સહકાર ન મળતા દુઃખી થઈ આત્મહત્યાનો વિચાર કર્યો હતો.
181ની ટીમ દ્વારા તાત્કાલિક મહિલાના પતિને લગ્ન જીવનમાં આવતી ફરજો વિશે સમજાવવામાં આવ્યા તેમજ તેમના સાસુને પણ સમજ આપવામાં આવી હતી.
ત્યારબાદ મહિલાના પતિએ તેની ભૂલ સ્વીકાર કરી માફી માંગી અને હવે પછી તેની પત્નીને હેરાન નહી કરે તેવી બાહેંધરી આપતા, પતિ-પત્ની અને સાસુ-વહુ વચ્ચે થયેલા ઝઘડાનું સુખદ સમાધાન કરાવ્યું હતું.
અને મહિલાએ રાજી ખુશીથી પોતાના પતિ સાથે રહેવાનું નક્કી કરી ભવિષ્યમાં ક્યારેય પણ આત્મહત્યાનો વિચાર શુદ્ધાં પણ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. પતિ-પત્નીએ 181 અભયમ ટીમની ઉમદા કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
આ રીતેબોટાદની અભયમ ટીમે આપઘાત કરવા ગયેલી મહિલાને બચાવી નવજીવન આપતા આ વિસ્તારમાં આ ટીમની ભારે પ્રશંસા થઈ રહી છે.