સમગ્ર દેશમાં હોળી ધુળેટીના તહેવારને મનાવવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને હોલિકા દહનના દિવસે હોળી પ્રગટાવવા માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જિલ્લામાં ચોટીલા ડુંગરે બિરાજમાન મા ચંડી ચામુંડાના ડુંગર ઉપર નાળીયેર, નાળિયેરના છાલોતરા, કાચલી અને ચુંદડીથી હોળી કરવાની પરંપરા છે. આટલું જ નહી પરંતુ ડુંગર ઉપર 2 જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવે છે. પાંચાળની પવિત્ર ભૂમિમાં ચંડ અને મુંડને મારનાર મા ચંડી ચામુંડાના બેસણા છે.
તહેવારોમાં તો લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના ચરણોમાં શિશ નમાવીને આર્શીવાદ લેતા હોય છે. ત્યારે ડુંગર ઉપર હોળીને અનોખી રીતે ઉજવણી કરવાની પરંપરા છે. માતાજીને ચડાવવામાં આવતા શ્રીફળના તોરણ, શ્રીફળની છાલ, કાચલી અને ચુંદડી ડુંગર ઉપર ભેગા કરવામાં આવે છે.
આ જ વસ્તુનો મોટો ઢગલો કરીને તેને પ્રગટાવીને હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે. જ્યારે હોળી પ્રગટાવવામાં આવે પ્રથમ તેના દર્શન કરીને આજુબાજુના અંદાજે 70થી વધુ ગામના લોકો પોતાના ગામમાં હોળી પ્રગટાવે છે. ચામુડા માતાજીના હોળીની ઝાળ ઉપરથી ગ્રામ્ય વિસ્તારના લોકો આગળના વર્ષનો વરસાદ કેવો પડશે અને ધાન્ય કેવા પાકશે તેનો વાવેતરો કરતા હોય છે.
હોળીના દિવસે ચોટીલા મંદિર રાત્રે 2.30 કલાકે ખૂલી જશે
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ પ્રવેશદ્વાર ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ઉપર ફાગણ સુદ પૂનમ ગુરુવારે રાત્રે 2:30 કલાકે ડુંગર તળેટી પ્રવેશદ્વાર ખોલવામાં આવશે. માતાજીની 3:00 વાગ્યે મંગળા આરતી કરાશે. સાંજે સૂર્યાસ્ત સમયે આરતી કરવામાં આવશે. ત્યારબાદ મહંત પરિવાર દ્વારા હોળી પ્રગટાવવામાં આવશે.
ડુંગર ઉપર થતી હોળી બંને બાજુ 20 કિમી સુધી દેખાય છે
મહંત પરિવારના મનસુખગિરિ ગોસાઈએ જણાવ્યું કે, ડુંગરના 635 પગથીયા છે. ઊંચાઇ 1200 ફૂટ છે. ડુંગરની ચારેય બાજુ અંદાજે 20 કિમી સુધી આવેલા ગામોમાં ડુંગર ઉપર પ્રગટાવવામાં આવેલી હોળીના દર્શન થાય છે.
સફાઇનો પણ અપાતો સંદેશ
લોકોએ ચડાવેલા શ્રીફળ અને ચુંદડીની અમાન્યા જળવાય અને તેની સાથે સાથે ડુંગર ઉપર ગંદકી ન થાય અને સફાઇ જળવાઇ રહે તે માટે દાયકાઓથી આ પરંપરા નિભાવવામાં આવી રહી છે.